ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર.ગવઈ 23 નવેમ્બરે નિવૃત્ત થવાના છે, જેને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે ભારતના આગામી સીજેઆઈની નિમણૂક પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. કાયદા મંત્રાલયે સીજેઆઈ જસ્ટિસ બી.આર.ગવઈને પત્ર લખીને તેમના અનુગામીની ભલામણ માંગી છે.

CJI ગવઈ નવા CJI માટે ભલામણ મોકલશે
હાલમાં સીજેઆઈ ગવઈ ચાર દિવસીય ભૂટાનની મુલાકાતે છે. તેમના કાર્યાલય દ્વારા જણાવાયું છે કે તેઓ પાછા ફર્યા બાદ સરકારને નવા CJI માટેની ભલામણ મોકલશે. સીજેઆઈ ગવઈ 24 નવેમ્બરે નિવૃત્ત થવાના છે.
જસ્ટિસ સૂર્ય કાંત બનશે નવા CJI
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટેના મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર મુજબ નિવૃત્ત થઈ રહેલા CJI પાસે તેમના અનુગામીની ભલામણ માંગવામાં આવે છે. આ પરંપરા મુજબ વરિષ્ઠતાના માપદંડને ધ્યાનમાં રાખીને જસ્ટિસ સૂર્ય કાંત દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ બનવા માટે તૈયાર છે.
કોણ છે જસ્ટિસ સૂર્ય કાંત?
જસ્ટિસ સૂર્ય કાંતનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના હિસારેમાં થયો હતો. તેમણે 1984માં મહારિષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતકમાંથી કાયદાની સ્નાતક ડિગ્રી મેળવી છે. તેમણે હરિયાણાના હિસાર જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ શરૂ કરી અને બાદમાં 1985માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે ચંદીગઢ ગયા હતા.
જસ્ટિસ સૂર્ય કાંત હરિયાણાના સૌથી યુવા એડવોકેટ
જસ્ટિસ સૂર્ય કાંત 2000માં સાતમી જુલાઈએ હરિયાણાના સૌથી યુવા એડવોકેટ જનરલ બન્યા હતા. તેમની 9 જાન્યુઆરી-2004ના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી. ઓક્ટોબર-2018માં તેઓ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. ત્યારબાદ 2019માં 24મી મેએ તેમની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. તેઓ 9 ફેબ્રુઆરી-2027ના રોજ નિવૃત્ત થવાના છે.

