ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર-17માં ધારાસભ્યો માટેના નવનિર્મિત વૈભવી આવાસનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. ધારાસભ્યો માટેના આ આવાસ 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યા છે, જેમાં કુલ 216 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ફ્લેટમાં ત્રણ બેડરૂમ સહિત કુલ પાંચ રૂમની સુવિધા ઉપલબ્ધ છે. સરકાર દ્વારા ધારાસભ્યો માટે ક્વાર્ટર બનાવવાનું આયોજન પાંચ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને તેના માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી હતી.
આ MLA ક્વાર્ટરના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ચોને મળ્યા લકઝુરિયસ નવા ઘર
પાટનગર ગાંધીનગરમાં સદસ્ય આવાસ જર્જરીત બન્યા છે જેના પગલે સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે લકઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. અહીં 9 માળના 12 ટાવરનું નિર્માણ કરાયું છે જેમાં કુલ મળીને 216 ફ્લેટ તૈયાર કરાયા છે.
ધારાસભ્યો માટે આકાર પામેલા લકઝુરિયસ ફ્લેટમાં બે માસ્ટર રુમ, લિવિંગ રૂમ, બે બેડરૂમ, રસોડું, ડાઇનિંગ એરિયા, વેઇટીંગ એરિયા ઉપરાંત નાની ઑફિસની સુવિધા છે. પ્રત્યેક ફલેટમાં કર્મચારીના રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લકઝુરિયસ ફલેટમાં માસ્ટર, લિવિંગ રૂમ, બેડરુમમાં એસસી ઉપરાંત 43 ઇંચનું એલઈડી ટીવી ટેબલ નેટવર્ક સાથે ગોઠવવામાં આવ્યું છે. સાથે સાથે ફ્રીજ, ગેસ ગીઝર અને ઈલેક્ટ્રિક ગીઝરની પણ સુવિધાઓ અપાઈ છે. નવા સદસ્ય નિવાસ સંકુલમાં બે લેન્ડ સ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટિન સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવાઈ છે. દરેક નવ માળના બિલ્ડિંગમાં બે લિફ્ટની સુવિધા હશે. આ ઉપરાંત એન્ટ્રી-એક્ઝીટ માટે ચાર દરવાજા હશે.

ધારાસભ્યોના નવા આવાસમાં શું સુવિધા હશે?
28576 મીટર વિસ્તારમાં નવા આવાસ તૈયાર કરાયા છે.
એક ફ્લેટમાં 204 ચોરસ મીટરની જગ્યા મળશે.
3 બેડરૂમ, રસોડું, ડાઇનિંગ એરિયા, ઑફિસ રૂમ, વેઇટિંગ રૂમ, બાલકની, ડ્રેસિંગ રૂમ, 3 અટેચ બાથરૂમ અને ટોઇલેટ, 1 કોમન બાથરૂમ અને ટોઇલેટ, 1 સર્વન્ટ રૂમ.
નવા આવાસસ્થાન પર ગાર્ડન, મલ્ટિપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ સાથે ઘરમાં 3 સ્પ્લિટ એસી લગાવવમાં આવશે. લિવિંગ રૂમ અને બેડરૂમમાં 43-43 ઇંચના એલઈડી ટીવી, રેફ્રિજરેટર અને એસી પ્લાન્ટ મૂકવામાં આવશે. બાથરૂમમાં ગરમ પાણી માટે ઈલેક્ટ્રિક ગીઝરની પણ સુવિધા આપવામાં આવશે.
દૂધની થેલી કરતાં પણ ઓછું ભાડું !
આ તમામ સગવડો સાથેનો ફૂલ ફર્નિશ્ડ આધુનિક ફ્લેટમાં રહેવા માટે સરકાર ધારાસભ્યોને માત્ર મહિને 37.50 રૂપિયાના ભાડે આપશે. એટલેકે એક દિવસનું સવા રૂપિયો ભાડું સરકાર વસૂલશે. આમ, દૂધની એક થેલી કરતાં પણ એમએલએ ક્વાર્ટરનું મહિનાનું ભાડું ઓછું હશે.

