- હોટેલો, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાઓ હાઉસફૂલ થઈ જતા યાત્રાળુઓ રઝળ્યા : વિવિધ જગ્યાએ બેરિકેટ મૂકી દેતા ટ્રાફિકજામ : સ્થાનિકોને ઘર સુધી પહોંચવું મુશ્કેલ બન્યું
ડાકોર : ડાકોરમાં ઠાકોરજીના દર્શનાર્થે અગિયારના દિવસથી જ દર્શનાર્થીઓનો પ્રવાહ વધી ગયો હતો. તહેવારના ૧૦ દિવસ દરમિયાન ગોવર્ધન પૂજા, મંગળા, અન્નકૂટ, રાજભોગ સહિતના દર્શનનો ૧૦ લાખથી વધુ ભક્તોએ લાભ લીધો હતો.

યાત્રાધામ ડાકોરમાં દિવાળીના તહેવારો અને વેકેશનના કારણે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. અગિયારસના દિવસથી ડાકોર નગરમાં ગેસ્ટહાઉસ, હોટેલો, ધર્મશાળાઓ હાઉસફૂલના પાટિયા લાગી ગયા હતા. નાસ્તા હાઉસ, ખાણીપીરીના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી. તહેવારો હોવા છતાં પોલીસ બંદોબસ્ત ઓછો હોવાના કારણે ટ્રાફિક સમસ્યાથી માંડી વિવિધ પ્રશ્નોના કારણે સ્થાનિક નગરજનો સહિત પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વાહન પાર્કિંગથી માંડીને હોટેલો, ગેસ્ટ હાઉસના ભાડામાં રોજિંદા ભાવ કરતા બમણો ભાવ કરી દેવાયો હતો. તંત્રના અણઘડ આયોજનના કારણે ડાકોરમાં રહેતા લોકોને ગાડી સાથે ઘર સુધી પહોંચવું અઘરું બન્યું હતું. વિવિધ સ્થળે બેરિકેટ મૂકી દઈ અંતરાય કરી દેવાતા રહેણાંકનો પુરાવો બતાવવા છતાં સ્થાનિકને જવામાં આનાકાની કરાતી હતી. દિવાળી, બેસતા વર્ષ, ભાઈબીજ સહિતના દિવસોમાં ડાકોરમાં ૧૦ લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા હતા. ત્યારે ડાકોરમાં નાનાથી મોટા ધંધાર્થીને કરોડો રૂપિયાનો કારોબાર થયો હોવાનું જાણવા મળ્યું છે.
