આણંદ : આણંદ અને ખેડા જિલ્લામાં બેસતા વર્ષે મુહૂર્ત સાચવ્યા બાદ બંધ થયેલા ધંધા- રોજગાર આવતી કાલ લાભ પાંચમથી ફરી ધમધમતા થશે. રવિવારે વહેલી સવારે ધાર્મિક વિધિ સાથે દુકાનો, ઉદ્યોગો, ફેક્ટરીઓ શરૂ થઈ જતા ભીડ જોવા મળશે.આણંદ અને ખેડા જિલ્લાઓમાં દિવાળી બાદ પાંચ દિવસ સુધી બજારો લગભગ બંધ જોવા મળ્યા હતા. બેસતા વર્ષે શુભ મુહૂર્ત કર્યા બાદ ધંધા- રોજગાર બંધ કરી દુકાનો, ફેક્ટરીઓ સહિત રોજગારના સ્થળો લગભગ બંધ થઈ ગયા હતા.

વેપારીઓ આખા વર્ષનો તાક ઉતારવા પરિવાર સાથે સહેલગાએ ઉપડી ગયા હતા. ત્યારે મોટા ભાગના વેપારીઓ, કારખાનાવાળા કે ઉદ્યોગોવાળા નવા વર્ષની શરૂઆત લાભ પાંચમના દિવસથી કરતા હોય છે. ત્યારે રવિવારના શુભ દિવસે લાંભ પાંચમ આવતી હોવાથી વેપારીઓ સહિત ધંધાર્થીઓ પોતાના ધંધા- રોજગારની શરૂઆત કરશે. પાંચમના દિવસે શુભ મુહૂર્તે શ્રીફળ વધેરીને કંકુ- તિલક કરી ધંધા- રોજગારની શરૂઆત કરશે. નવુ વર્ષ પ્રગતિકારક- લાભદાયી રહે તેવી આશાઓ સાથે આણંદ અને ખેડા જિલ્લામાં ગારમેન્ટ, સોની બજાર, અનાજ- કરિયાણાના સ્ટોર, ગેરેજ સહિતની મોટાભાગની દુકાનો રવિવારે ધમધમતી થશે.
ખેડા અને આણંદ જિલ્લામાં રવિવારે લાભ પાંચમના દિવસે ધાર્મિક વિધિમાં સત્યનારાયણની કથા, અનુષ્ટાન, સુંદરકાંડ કર્યા બાદ રોજગારના સ્થળે લીંબુ- મરચાં બાંધી પ્રથમ દિવસની શરૂઆત કરાશે. મંદિરોમાં લાભ પાંચમ હોવાથી પૂજા- અર્ચના પણ કરાશે. બંને જિલ્લાઓમાં લગભગ ૩થી ૫ દિવસ બંધ રહેલા બજારો હવે શરૂ થઈ જશે.
