વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદ જિલ્લાના કણભા પાસે ગમખ્વાર અકસ્માતના પગલે વડોદરાથી અમદાવાદ તરફ જતા હજારો વાહનચાલકો માટે ટ્રેક બંધ કરી દેતા લોકો હેરાન પરેશાન થયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદથી ૧૫ કિલોમીટર પહેલા વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતાં. આ અકસ્માતના પગલે વડોદરા-અમદાવાદ ટ્રેક પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. ૧૮ કિલોમીટર સુધી લાંબી લાઇનોના કારણે વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાઇ ગયા હતાં જ્યારે આ સંદેશો વડોદરા ખાતેના ટોલ પ્લાઝાને મોકલવામાં આવ્યો હતો અને અન્ય વાહનોને અમદાવાદ તરફના ટ્રેક પર નહી મોકલવા જણાવ્યું હતું.
દરમિયાન વડોદરા નજીક આસોજ પાસેના ટોલ પ્લાઝા પર વાહનોને અમદાવાદ તરફ જવા માટે રોકી લેવાયા હતા અને તમામ વાહનોને નેશનલ હાઇવે-૪૮ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતાં. આસોજ ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઇનોના કારણે અફરાતફરી મચી ગઇ હતી. આજથી સરકારી સહિત વિવિધ કચેરીઓ ચાલુ થવાથી અમદાવાદ તરફ જતા લોકો અટવાઇ ગયા હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે છ વાગ્યાથી ટોલ પ્લાઝા પરથી અમદાવાદ તરફ જતા વાહનોને ડાયવર્ટ કરાયા હતા અને બપોરે ૧૨ વાગે કણભા પાસેનો રોડ ક્લિયર થતાં આખરે ટ્રાફિક ખુલ્લો કરીને અમદાવાદ તરફ વાહનોને રવાના કરવામાં આવ્યા હતાં. આશરે છ કલાક સુધી વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેના ટ્રેક પર વાહનોની અવરજવર બંધ કરવાની ફરજ પડી હતી.

