વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં ભારતની ક્રુડ તેલની આયાત પ્રારંભિક અંદાજ પ્રમાણે ઓગસ્ટની સરખામણીએ ૧.૭૦ ટકા વધી ૧.૯૯ કરોડ ટન રહી છે વાર્ષિક ધોરણે આયાતમાં ૬.૧૦ ટકા વધારો થયો છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ક્રુડ તેલનો આયાત આંક ૧.૮૭ કરોડ ટન રહ્યો હતો એમ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના ડેટા જણાવે છે. જો કે એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં રશિયા ખાતેથી આયાતમાં ૮ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

ખાનગી ઓઈલ રિફાઈનરીઓ પોતાના આયાત ડેટા પોતાની રીતે જાહેર કરતી હોય છે.વિશ્વમાં ભારત ક્રુડ ઓઈલનો ત્રીજો મોટો આયાતકાર અને વપરાશકાર દેશ છે ત્યારે ક્રુડ ઓઈલ સંદર્ભના સરકારી ડેટા માગનો અંદાજ મેળવવા માટે મહત્વના બની રહે છે.
ક્રુડ ઓઈલ પ્રોડકટસની આયાત સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે ૨૦.૯૦ ટકા વધી ૪૪ લાખ ટન રહી છે જ્યારે પ્રોડકટની નિકાસ ૪.૮૦ ટકા ઘટી ૬૧.૮૦ લાખ ટન રહી છે.
યુરોપિયન યુનિયન, અમેરિકા તથા યુકેએ રશિયા પર અનેક પ્રતિબંધો મૂકયા છે. રશિયાના ૂબે મોટા તેલ ઉત્પાદકો લુકઓઈલ અને રોઝનેટ પર ગયા સપ્તાહમાં પ્રતિબંધ મૂકીને રશિયાને વધુ ભીંસમાં લેવાનો પ્રયાસ કરાયો છે. યુક્રેન પર આક્રમણને કારણે પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધો મૂકી રહ્યા છે અને ભારત સહિત અન્ય દેશોને પણ તેમાં જોડાવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત૮.૪૦ ટકા ઘટી છે. ડિસ્કાઉન્ટમાં ઘટાડા તથા પૂરવઠા ખેંચને પરિણામે આયાતમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ભારતના રિફાઈનરો અમેરિકા તથા મધ્ય પૂર્વ ખાતેથી વધુ ઓઈલ ખરીદવા લાગ્યા છે.
રશિયાના આ બે ઓઈલ ઉત્પાદકો સાથેના સોદાને ૨૧ નવેમ્બર સુધીમાં પૂરા કરી દેવા અમેરિકાએ કંપનીઓને સમય આપ્યો છે. અમેરિકાના પ્રતિબંધોને ધ્યાનમાં રાખી ભારતના આયાતકારો પણ રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદી ઘટાડવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

