અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનની સ્થિતિને લઈ ગુજરાત સહિત આણંદ જિલ્લામાં પણ ગઈકાલથી અષાઢી માહોલ છવાયો છે. આજે સતત બીજા દિવસે પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહ્યું હતું. જિલ્લામાં સરેરાશ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ત્યારે માવઠું થવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જિલ્લામાં ૫૦ હજાર હેક્ટરમાં વાવણી કરાયેલા ડાંગર તથા શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

લાભ પાંચમથી ખેડૂતોએ ખેતી કામ માટેની તૈયારીઓ શરૂ કરી હતી. તો બીજી તરફ માવઠાએ પણ લાભ પાંચમના દિવસથી મુહૂર્ત કરતા છેલ્લા બે દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. આજે પણ જિલ્લામાં સાર્વત્રિક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડયા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
ચરોતર પંથકમાં હાલ ખેતરોમાં ડાંગરની કાપણી કરવામાં આવી છે. કેટલાક ખેડૂતો દ્વારા તમાકુ, ઘઉં, રાયડો તથા વિવિધ શાકભાજી સહિતના રવી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે માવઠાના કારણે ખેતરોમાં કાપીને મુકેલી ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવા સાથે ગુણવત્તા ઉપર અસર થવાની અને પાકમાં રોગ આવવાનો ભય ખેડૂતોમાં વ્યાપ્યો છે. શાકભાજીમાં છોડ ઉપરના ફૂલો ખરી પડવાથી પાક નુકસાની થવાનો ભય છે. હાલ તૈયાર ડાંગરની કાપણી કરી માર્કેટમાં વેચાણ માટે મુકવાનો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે ડાંગરનો પાક ભીનો થઈ જવાથી હવે તેને તૈયાર કરી કેવી રીતે ઘરે કે યાર્ડ સુધી પહોંચાડવો તે માટે ખેડૂતો દોડધામ કરી રહ્યા છે.
વરસાદને કારણે પશુઓને ખાવા માટે ઉપયોગમાં આવતું ડાંગરનું પરાળ પણ ભીનું થઈ જતા પશુપાલકોને ઘાસચારાની પણ સમસ્યા આગામી દિવસોમાં સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે.
કમોસમી વરસાદના કારણે ડાંગરના ભાવ નીચા જવાની સંભાવના છે. પલળેલા પાકના ભાવ વેપારીઓ દ્વારા ઓછા આપવામાં આવે છે. ત્યારે ખાતર, પાણી અને મહા મહેનતથી તૈયાર કરાયેલા પાકનું ઓછું વળતર મળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા પાકના નુકસાની અંગે સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વરસાદના કારણે અચાનક ઠંડીનો પ્રકોપ વધી જતા દિવસે પણ શિયાળા જેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
આણંદ તાલુકામાં બે કલાકમાં જ અડધો ઈંચ વરસાદ ખાબક્યો
સોમવારે વહેલી સવારથી જ આણંદ તથા આસપાસના પંથકમાં ધીમીધારે સતત વરસાદ વરસ્યો હતો. ત્યારે સવારે ૬થી ૮ કલાકના સમયગાળામાં આણંદ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ બપોર સુધી સતત વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. બોરસદ તાલુકામાં પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે સતત વરસાદ વરસ્યો હતો.
સોમવાર સવારે 6 કલાક સુધીના 24 કલાકમાં કેટલો વરસાદ
| તાલુકો | વરસાદ (મિ.મી.) |
| ખંભાત | ૨૨ |
| બોરસદ | ૨૧ |
| પેટલાદ | ૨૦ |
| ઉમરેઠ | ૧૯ |
| આણંદ | ૧૮ |
| આંકલાવ | ૧૪ |
| તારાપુર | ૦૬ |
| સોજીત્રા | ૦૩ |

