દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડાંમાં પરિવર્તિત થયું હતું. મોન્થા નામનું આ વાવાઝોડું આંધ્રપ્રદેશના કાંઠે ટકરાય એવી શક્યતા છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં આ વાવાઝોડાની ભીતિથી રેડ એલર્ટ જાહેર કરીને કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે જવાની ભલામણ કરવામાં આવી છે. આંધ્ર, તમિલનાડુ, ઓડિશા, બંગાળ, કેરળ, તેલંગણા અને ઝારખંડ એમ સાત રાજ્યો આ વાવાઝોડાંની રેન્જમાં હોવાથી સંભવિત વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે મોન્થા વાવાઝોડાંથી સર્વાધિક પ્રભાવિત એવા રાજ્યો – આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશામાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. ૨૮ અને ૨૯મી ઓક્ટોબરે આ રાજ્યોમાં ખૂબ ભારે વરસાદની શક્યતા છે અને વળી કાંઠા વિસ્તારોમાં ૧૧૦થી ૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય એવી પણ શક્યતા વ્યક્ત કરી છે.
આ વાવાઝોડાંના કારણે આ સાતેય રાજ્યોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. અમુક વિસ્તારોમાં પાણી ભરાય એટલો વરસાદ થયો હતો. કેરળના દરિયાકાંઠામાં એક માછીમારનું મોત થયું હતું. બંગાળના એક માછીમારનું પણ મધદરિયે મોત થયું હતું. આ રાજ્યોમાં માછીમારોને દરિયામાં ન જવાની તાકીદ કરવામાં આવી છે. કાંઠાં વિસ્તારના ગામડાઓમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે.
આંધ્ર પ્રદેશમાં વાવાઝોડાં પર નજર રાખવા માટે ૭૫ જેટલા ડ્રોન તૈનાત રાખ્યા છે. બચાવ ટૂકડીઓને પણ ખડેપગે રાખવામાં આવી છે. તમિલનાડુ અને કેરળ તરફ વાવાઝોડું ફંટાઈ શકે એ શક્યતાના પગલે આ રાજ્યોમાં પણ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તૈનાત કરવામાં આવી છે.

