ભરૂચના જીવદયા પ્રેમી રવિભાઈ કુશવાહાની મૂંગા જીવો પ્રત્યેની કરુણામય કામગીરી ફરી એકવાર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે ભારે વરસાદ વચ્ચે આશ્રય સોસાયટી નજીક આવેલી સર્વોદય સોસાયટીના રહીશ વિશાલભાઈ સોલંકીએ રવિભાઈને જાણ કરી કે, એક કૂતરીના સવારે જ જન્મેલા બચ્ચાં વરસાદના પાણીના કારણે ગટરમાં પડી ગયા છે.

માતા કૂતરીનું આક્રંદ સાંભળીને રવિભાઈ કુશવાહા અને તેમની ટીમ ધોધમાર વરસાદ વચ્ચે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વિશાલભાઈ સોલંકીની સક્રિય મદદથી, બચાવ ટીમે નવજાત બચ્ચાઓને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના ગટરમાંથી સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા.
બચ્ચાઓને તેમની માતા સાથે ચોખ્ખી જગ્યાએ કોથળો પાથરીને સલામત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશનમાં કોલર વિશાલભાઈ સોલંકીની મદદ નોંધપાત્ર રહી, જેમણે બચાવ ટીમને ઘણી રાહત આપી હતી. રવિભાઈ અને તેમની ટીમે એક માતાને બાળક વિહોણી બનતી રોકવામાં સફળતા મેળવી હતી.

