અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદે જોર પકડયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ૧૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વઢવાણ, ચુડા અને સાયલા પંથકમાં એક ઇંચ ખાબક્યો છે. બીજી તરફ ધ્રાંગધ્રા, પાટડી, લખતર, ચોટીલા, થાન અને લીમડી પંથકમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે.

માવઠાના કારણે ખેડૂતોની પાંચ મહિનાની મહેનત ઉપર પાણી ફરી ગયું છે. વરસાદના કારણે કપાસ, મગફળી અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે. મોટાભાગના ખેડૂતોએ કપાસનું વાવેતર પૂર્ણ કરી લીધું છે અને ઝીંડવાનો ફાલ પણ આવી ગયો છે. તેવા સમયે માવઠું પાક માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. મગફળીનો તૈયાર પાક પલળી જતાં દાણો ચીમડાઈ જવા લાગ્યો છે જેના કારણે મગફળીની ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે. કમોસમી વરસાદને કારણે કપાસની ચમક ફીકી પડશે અને તેના ભાવ પણ તળિયે જવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી. માવઠાને કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ વધતા ફૂગજન્ય રોગો અને જીવાતોનો ઉપદ્રવ વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
જિલ્લામાં શાકભાજીના વાવેતરમાં અગ્રેસર વઢવાણ તાલુકામાં ખેડૂતોએ લીલા મરચા, રીંગણ, તુરીયા જેવા શાકભાજીનું વાવેતર કર્યું છે. પરંતુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ રહેતા વાવેતર નિષ્ફળ જવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.
કમોસમી વરસાદથી થયેલા વ્યાપક નુકસાન બાદ જિલ્લાના ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે હાથ ધરવાની અને ઝડપથી યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, આટલી મોટી આથક નુકસાની સહન કરવી તેમના માટે અશક્ય છે અને જો સરકાર તરફથી સમયસર સહાય નહીં મળે તો તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ જશે. સુરેન્દ્રનગરના ખેડૂતો આશા સેવી રહ્યા છે કે સરકાર તેમની આ વ્યથાને સમજીને વહેલી તકે વળતર જાહેર કરશે.
ટેકાના ભાવે કપાસની તાત્કાલિક ખરીદી કરવા ખેડૂતોએ કરી માંગ
માવઠાના કારણે કપાસનો પાક પલળી જતા પીળો પડી ગયો છે. કપાસના છોડમાં ઝીંડવા વધુ પડતા વરસાદના કારણે કાળા પડી ગયા છે. જિલ્લાના ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ટેકાના ભાવે કપાસની ખરીદી શરૃ કરવામાં આવે અને ક્વોલિટીના નામે કપાસના નમુનાઓ રિજેક્ટ કરવામાં આવે છે તેમાંથી ચાલુ વર્ષે મુક્તિ આપી તમામ પ્રકારનો કપાસ ખરીદી કરી લેવા આવે. ધ્રાંગધ્રાના ધારાસભ્યે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે કમોસમી વરસાદને કારણે વિસ્તારના જુવાર, મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો આથક રીતે પ્રભાવિત થયા છે. ખેડૂતોની હાલતને ધ્યાને લઈને સરકાર તાત્કાલિક રાહતની જાહેરાત કરે. ધારાસભ્યએ કરેલી રજૂઆતના કારણે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી ખેડતોએ આશા વ્યક્ત કરી છે.

