મહુધા તાલુકાના તોરણિયા ગામમાં ૨૦૧૨માં નવી પંચાયત કચેરી બનાવવાની શરૂઆત કર્યા બાદ ૮ વર્ષે ૨૦૨૦માં કામ પૂર્ણ થયું હતું. આઠ વર્ષ સુધી કામ ચાલવા છતાં કચેરી જર્જરિત બનતા નવી કચેરીમાં એક પણ વખત સરકારી કામ કરવામાં આવ્યું નથી. હાલ જૂની કચેરીમાં સરકારી કામ કરવા તલાટી, પંચાયતના સભ્યો મજબૂર બન્યા છે.
મહુધા તાલુકાના તોરણિયા ગ્રામ પંચાયત કચેરી જર્જરિત થઈ જતા મનરેગા યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નડિયાદ દ્વારા તા. ૦૨/૦૭/૨૦૧૨ના રોજ નવી ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. નવી કચેરીનું બાંધકામ ૨૦૨૦માં પૂર્ણ થયું હતું. પરંતુ નવી ગ્રામ પંચાયત કચેરી હલકી કક્ષાના માલસામાનમાંથી બનાવવામાં આવી હોવાથી કચેરીનું ધાબુ થોડા જ સમયમાં બેસી ગયું હતું. જેથી નવી કચેરી બાબતે સ્થાનિકો દ્વારા ફરિયાદોનો દોર પણ ચલાવ્યો હતો. જે બાબતની જાણ હોવા છતાં મનરેગાના ટેકનિકલ એન્જિનિયર દ્વારા પંચાયત કચેરીને રંગ રોગાંન કરાવી ખોટા ખર્ચા કરવામાં આવ્યા હતા. નવી કચેરી છેલ્લા પાંચ વર્ષથી બનીને તૈયાર થઈ ગઈ હોવા છતાં તેને ૨૦૨૩ માં કલરકામ કરવામાં આવ્યું હતું. જ્યારે આ નવી કચેરીમાં સરકારી કામકાજ એક પણ દિવસ કરવામાં આવ્યું નથી. કચેરીમાં ચારે બાજુથી પાણી પડે છે.

સરકારી કાગળો પલળી જવાનો ભય હોવાથી જૂની ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી અને ગ્રામ પંચાયતના સભ્યોને બેસવાનો વારો આવ્યો છે. જૂની પંચાયત કચેરી પણ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોવા છતાં મનરેગાના એપીઓ દ્વારા નવી કચેરીનું સમારકામ કરાવી જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવતી નથી. ત્યારે હવે કોઈ જાનહાનિ થશે પછી જ આ બાબતે ધ્યાન અપાશે તેવું ગ્રામજનો કહી રહ્યા છે.
- મેં ૨૦૧૩માં કલર કરાવ્યો હતો, બાકી ઉપરી એપીઓને ખબર ઃ ટે. એન્જિનિયર, મનરેગા
આ બાબતે મનરેગાના ટેકનિકલ એન્જિનિયર હિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું થોડા કામથી બહાર આવ્યો છું. તોરણિયા પંચાયતને મેં ૨૦૨૩માં કલર કરાવ્યો હતો. પંચાયત ચાલે તેવી નથી છતાં કલર કેમ કરાવ્યો તેવો સવાલ પુછતા તેમણે જવાબ આપવાનું ટાળી ઉપરી એપીઓ યાસીન સૈયદને બધી બાબતની ખબર છે મને કાંઈ ખબર નથી તેવું જણાવીને ફોન મૂકી દીધો હતો.

