TOP NEWS : ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે મુલાકાત, અનેક મુદ્દે થશે ચર્ચા, જાણો કોનું પલડું ભારે

0
50
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં (30 ઓક્ટોબર) એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન (APEC) સમિટ યોજાવાની છે. આ દરમિયાન વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીનના રાષ્ટ્રપ્રમુખો ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. ચીનના વિદેશ મંત્રાલયે આ મુલાકાતની પુષ્ટિ કરી છે. બંને નેતાઓ વચ્ચે છેલ્લે 2019માં મુલાકાત થઈ હતી. ત્યારબાદ હવે તેઓ ફરી મુલાકાત કરવાના છે, જેનાથી વેપારીઓ અને રોકાણકારોને આશા છે કે, મહિનાઓથી ચાલી રહેલા વેપાર તણાવમાં ઘટાડો થશે, કારણ કે 10 નવેમ્બરની ટ્રેડ ટ્રુસની સમયમર્યાદા નજીક આવી રહી છે. ટ્રમ્પે આ મુલાકાત અંગે આશા વ્યક્ત કરતાં કહ્યું છે કે, ‘મને લાગે છે કે અમારી મુલાકાત સારી રહેશે. મને લાગે છે કે અમારી પાસે એક ખૂબ જ વ્યાપક કરાર પર પહોંચવાની સારી તક છે.’

ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે કયાં કયાં મુદ્દાઓ પર થશે ચર્ચા

1… વેપાર, ટેરિફ અને સોયાબીન : ટ્રમ્પના ફરી સત્તામાં આવ્યા બાદ અમેરિકાએ ચીન સામે ટેરિફ અને વેપાર યુદ્ધ ચાલુ રાખ્યું છે. અમેરિકાએ પહેલી નવેમ્બર-2025થી ચીની સામાન પર 100 ટકા ટેરિફ ઝિંકવાની ધમકી આપી છે. અમેરિકી નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે, દક્ષિણ કોરિયામાં બંને દેશો વચ્ચે સંભવિત વેપાર કરારની યોજના પર સહમતિ બની ગઈ છે. ટ્રમ્પ ચીનને અમેરિકાથી સોયાબીનની ખરીદી વધારવા અને શક્તિશાળી ઓપિયોઈડ ફેન્ટાનાઈલના ગેરકાયદે વેપાર પર નિયંત્રણ મૂકવા માટે દબાણ કરશે.

2… રેર અર્થ ધાતુઓ પર પ્રતિબંધ : વિશ્વના લગભગ 70 ટકા રેર અર્થ તત્વોનું ઉત્પાદન કરતા ચીને પોતાના નિકાસ નિયંત્રણો કડક કર્યા છે, જેના કારણે અમેરિકાને નુકસાન થયું હોવાનું લાગી રહ્યું છે, તેથી ટ્રમ્પ આ બેઠકમાં જિનપિંગને આ પ્રતિબંધો હટાવવા માટે દબાણ કરશે, કારણ કે આનાથી અમેરિકન ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે.

3… રશિયા-યુક્રેન યુદ્ધ : ટ્રમ્પ રશિયા-યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે, જોકે તેઓ હજુ સુધી સફળ થયા નથી. તેથી તેઓ ત્રણ વર્ષ લાંબા યુદ્ધને સમાપ્ત કરવા માટે રશિયાને વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે જિનપિંગ પર દબાણ કરશે. જોકે, ચીને રશિયા પરના તાજેતરના અમેરિકન પ્રતિબંધોનો વિરોધ કર્યો છે અને રશિયન ઊર્જાનો સૌથી મોટો ગ્રાહક છે.

4… તાઈવાન અને હોંગકોંગ : ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન જિનપિંગ તાઈવાન પર ચર્ચા કરવાની તક ગુમાવશે નહીં. ટ્રમ્પના તાઈવાન તરફના વલણમાં અનિશ્ચિતતાનો લાભ લેવાનો ચીન પ્રયાસ કરશે. આ ઉપરાંત, ટ્રમ્પ હોંગકોંગના લોકશાહીના તરફેણમાં ચીનની મુશ્કેલી વધારનાર દિગ્ગજ જિમ્મી લાઈને મુક્ત કરવા માટે પણ જિનપિંગ પર દબાણ કરી શકે છે.

5… TikTok ડીલ : ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, અમેરિકામાં ટિકટોકની માલિકી અંગેનો સોદો પણ આ મુલાકાત દરમિયાન અંતિમ સ્વરૂપ લઈ શકે છે.

ટ્રમ્પ-જિનપિંગની મુલાકાતમાં કોનું પલડું ભારે?

રિપોર્ટ મુજબ, આ બેઠકમાં જિનપિંગનું પલડું ભારે છે, કારણ કે ચીને ટેરિફ યુદ્ધ દરમિયાન મક્કમ વલણ અપનાવીને દેખાડી દીધું છે કે, તે વૈશ્વિક મંચ પર અમેરિકાની સમકક્ષ છે, વાટાઘાટો કરશે પણ દબાણમાં આવશે નહીં. જોકે કેટલાક રિપોર્ટ મુજબ, અપેક્ષા છે કે આ મુલાકાતથી દુશ્મની સંપૂર્ણ સમાપ્ત નહીં થાય, પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ઓછો થઈ શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here