૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે ગણતંત્ર દિવસની તર્જ પર ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ યોજાશે, જેમાં BSF, CRPF, CISF સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને વિવિધ રાજ્યોના પોલીસ દળોની કુલ ૧૬ માર્ચિંગ ટુકડીઓ પોતાના શૌર્યનું પ્રદર્શન કરશે. આ વિરાટ આયોજન દેશની એકતા, અખંડિતતા અને સૈન્ય શક્તિને પ્રદર્શિત કરતું એક પ્રેરણાદાયી પર્વ બની રહેશે. ત્યારે, આવો જોઈએ એકતા નગરની તૈયારીઓ વિશે એક અહેવાલ

વિકાસ સહાય, DGP, ગુજરાતે જણાવ્યું હતું કે’રાષ્ટ્રીય એકતા પરેડ’માં BSF, CRPF, CISF, ITBP અને SSB સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને અન્ય રાજ્યોના પોલીસ દળોની ટુકડીઓ મળીને કુલ ૧૬ માર્ચિંગ ટુકડીઓ ભાગ લેશે, જે રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશ આપશે.

આ આયોજનનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેનાની ‘સૂર્ય કિરણ’ ટીમનો એર શો અને દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતી સુંદર ઝાંખીઓ રહેશે. આ વીરતાપૂર્ણ પરેડ જોવા માટે લગભગ ૧૨,૦૦૦ જેટલા દર્શકોની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પ્રવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉત્સાહિત છે.

ધવલ ગોયાણી, પ્રવાસી, સુરત
અને ધીરજ, પ્રવાસી, પુણેએ જણાવ્યું હતું કેઆ ભવ્ય આયોજન માટે ગુજરાત સરકાર દ્વારા વ્યાપક સ્તરે તૈયારીઓ કરવામાં આવી છે. સહભાગીઓના રહેવા-જમવાથી લઈને મુલાકાતીઓના સરળ પરિવહન અને તબીબી સુવિધાઓ સુધીની દરેક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

રોશનલાલ સિંધી, પ્રવાસી, અયોધ્યાએ જણાવ્યું હતું કે એકતા નગરમાં ઉજવાઈ રહેલો આ રાષ્ટ્રીય એકતા દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે દેશની અજોડ એકતા, વીરતા અને સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે. આ કાર્યક્રમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વધુ મજબૂત બનાવશે. સરદાર સાહેબની ૧૫૦મી જયંતી નિમિત્તે આ પર્વ દરેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો નવો સંકલ્પ જગાડીને એક પ્રેરક સંદેશ આપશે.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

