ઠાસરા તાલુકામાં સતત ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ઠાસરા શહેર અને તાલુકામાં આજે બપોરે ફરી કમોસમી વરસાદ પડતા ડાંગરના પાકને સોથ વળી ગયો છે. અગાઉના વરસાદમાં બચેલા ડાંગરના પાકનેે આજે પડેલા વરસાદથી વ્યાપક નુકસાન થયું હતું. જેથી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માગણી ઉઠી છે.

ઠાસરા શહેરના ઉધમાતપુરા, શાહપુરા, સૈઢેલીયા, જલાનગર, બાધરપુરા સહિત વિસ્તારો અને નાના-મોટા કોતરીયા, ગુમડીયા, આગરવા સહિતના ગામોમાં ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ખેતરોમાં તૈયાર અને કાપણી કરેલો ડાંગર પલળી જતા કોહવાઇ ગયો છે. ડાંગર કોહવાઇ જતા ખેતરોમાં દુર્ગધ મારતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ઠાસરા શહેર અને તાલુકામાં આજે બપોરના ૧૧થી ૨ વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડયો હતો. ૨૫ ટકા ઉભેલી ડાંગર જમીનદોસ્ત થઇ ગઇ હતી. વરસાદના કારણે મુડિયાદ, વિસનગર, કાલસર મરઘાં કુઇ, નેસ, ભદ્વાસા, પાંડવણીયા, ધુણાદરા, જેસાપુરા, મીઠાપુરા, ભગવાનજીના મુવાડા, રતનજીના મુવાડા, જેસાપુરા મંજીપુરા, કંથરાઇ, રખિયાલ, જાખેડ, વણોતી, પીલોલ, રસુલપુર, ઔરંગપુરા, ગોડજ, ભરથરી, કેરીપુરા, ભાટ વાસણા, મોર આંબલી સહિતના ગામોમાં હજારો એકર જમીનમાં ડાંગર, કપાસ, એરંડા, તુવેર,મગફળી સહિતના ઉભા પાકને નુકસાન થયું છે. વરસાદના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઇ ગયો હતો. દેવદિવાળીએ ડાંગરનો પાક તૈયાર થઇને આવી જશે તેવી આશા ખેડૂતોમાં બંધાઇ હતી.
ઠાસરાના ઉધમાતપુરા ગામના ખેડૂતે જણાવ્યુ કે, ડાંગર સાંજે કારીને ઘરે આવ્યા હતા અને રાત્રિના સમયે વરસાદ આવ્યો હતો. ડાંગરનો પાક ઘાસ સાથે તરવા લાગ્યો હતો. મોંઘા ભાવના બિયારણ, મજૂરી, રાસાયણિક ખાતર નાખીને તૈયાર કરેલો ડાંગરનો પાકની કાપણી સમયે વરસાદ પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જયારે ગળતેશ્વર તાલુકામાં પણ વરસાદના ડાંગરના પાકને નુકસાન થયું છે.
- 200 વીઘાથી વધુમાં ડાંગરનો પાક નષ્ટ થવાના આરે
ઠાસરા પાલિકાના સ્માશન ( કૈલાશ) ભૂમિ પાસેના મોટા તળાવની પાળ પાસે વરસાદના કારણે ખેતરમાં આવેલા ૨૦૦ વીઘાથી વધારેમાં ડાંગરનો પાક મૃતપાય થઇ ગયો છે. ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

