NATIONAL : લાલુ પરિવારને RJDના ગઢમાં જ મોટો આંચકો: લોકોએ રાબડી દેવીને ઘેર્યા, સાવકા વ્યવહારનો આરોપ

0
67
meetarticle

ગુરુવારે રાઘોપુર વિધાનસભા ક્ષેત્રના રાઘોપુર બ્લોકમાં, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પોતાના નાના પુત્ર અને આરજેડી (RJD)ના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવના સમર્થનમાં રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં આરજેડી કાર્યકરોની ભારે ભીડ ઉમટી હતી અને લોકોએ ઠેર ઠેર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

તેમણે લોકોને તેજસ્વી યાદવની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી હતી. આ અપીલ દરમિયાન તેમણે કહ્યું કે, ‘રાઘોપુરના લોકોએ અમારા આખા પરિવારને હંમેશા અપાર સ્નેહ આપ્યો છે. લાલુ પ્રસાદ યાદવ, હું પોતે અને હવે તેજસ્વી યાદવે અહીંની જનતાની સેવા કરવાનો અવસર મેળવ્યો છે.’

રૂસ્તમપુર લોહા પુલથી મલિકપુર સુધી રોડ શો

રાબડી દેવીનો કાફલો રોડ શોમાં રૂસ્તમપુર લોહા પુલથી શરૂ થઈને મલિકપુર થઈને વિવિધ ગામો સુધી પહોંચ્યો હતો. આખા રસ્તા દરમિયાન, મહિલાઓ અને પુરુષો રસ્તાની બંને બાજુએ ઊભા રહીને તેમનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા.

એમજ અનેક સ્થળોએ મહિલાઓએ સાડી અને ‘ખોઇંચા’ (સાડીના પાલવમાં શુભ વસ્તુ મૂકીને) આપીને તેમનું અભિનંદન કર્યું હતું. જોકે, આ દરમિયાન મલિકપુર ગામમાં એક મહિલા પોતાના પુત્રના માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુનો ઉલ્લેખ કરતાં રાબડી દેવીની સામે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી. આ સંવેદનશીલ ક્ષણે રાબડી દેવીએ તે મહિલાને સાંત્વના આપી હતી.

લાલુ પરિવાર પર ‘સાવકા’ વ્યવહારનો આરોપ

આ દરમિયાન રોડ શોમાં એક વયોવૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, ‘તમે રાઘોપુર સાથે સાવકા વ્યવહાર કરો છો. તમારા દીકરા તેજસ્વી પ્રસાદ યાદવ અહીં બહુ ઓછા આવે છે.’ રાબડી દેવીએ ઠેર ઠેર રોકાઈને લોકોને મત આપવાની અપીલ કરી હતી. આ દરમિયાન લોકોએ પોતાની સમસ્યાઓ પણ જણાવી, જેના પર રાબડી દેવીએ શક્ય તમામ મદદનો ભરોસો આપ્યો હતો.

રાબડી દેવીએ સ્મિત સાથે સહન કર્યો વિરોધ

પરિસ્થિતિ પારખીને, રાબડી દેવીએ શાંત ભાવે વૃદ્ધની બધી વાતો સાંભળી અને હાથ જોડીને આગળ વધી ગયાં. તેમની સાથે રહેલા કાર્યકરોએ માહોલ સંભાળવાની કોશિશ કરી, પરંતુ જનતાની નારાજગી સ્પષ્ટ દેખાઈ હતી.

લાલુ પરિવારના ગઢમાં બદલાયેલો રાજકીય મિજાજ

રાઘોપુર વિધાનસભા બેઠકને હંમેશા લાલુ પરિવારની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવી છે. પરંતુ આ વખતે જનતાનો મિજાજ જુદો છે. લોકો હવે વિસ્તારમાં વિકાસ, પૂર નિયંત્રણ અને રોજગારને લઈને સીધા સવાલો પૂછી રહ્યા છે. જનતા હવે નેતાઓ પાસેથી જવાબ માંગવા લાગી છે અને રાઘોપુર તેનું સૌથી તાજું ઉદાહરણ બની ગયું છે.

મહત્ત્વનું છે કે મહાગઠબંધન તરફથી રાઘોપુર વિધાનસભા બેઠક પર રાબડી દેવીના નાના પુત્ર તેજસ્વી પ્રસાદ યાદવ ઉમેદવાર છે, જ્યારે રાબડી દેવીના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ જનશક્તિ જનતા દળ તરફથી મહુઆ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here