ધ્રાંગધ્રા શહેરમાં વારંવાર પીજીવીસીએલ તંત્રની બેદરકારી અગાઉ પણ સામે આવી ચૂકી છે. ગત વર્ષે શહેરના હળવદ રોડ પર માસૂમ બાળકી પર જીવતો વીજ વાયર પડતા મોત નીપજ્યું હતું. ત્યારે ફરી ધ્રાંગધ્રા શહેરના રહેણાક વિસ્તારોમાં ભયજનક વીજ ટ્રાન્સફોર્મર ફરતે લગાવવામાં આવેલ લોખંડની સેફ્ટી ગ્રિલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

શહેરના અનેક રહેણાક વિસ્તારોમાં ટ્રાન્સફોર્મર ફરતે લગાવવામાં આવેલી લોખંડની સેફ્ટી ગ્રિલ એક વખત નાખ્યા બાદ કોઈ સાર સંભાળ નહીં લેતા સેફ્ટી ગ્રિલ ભાંગી અને તૂટેલી હાલતમાં જણાઈ આવે છે.
વીજ ટ્રાન્સફોર્મર ફરતે ઉગી નીકળેલ બાવળ અને ઝાડી જાખરા સમયાંતરે સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે રખડતા પશુઓ ઘૂસી જતા વીજ શોટ લાગવાના બનાવો પણ બને છે. એટલું જ નહીં જ્યારે રહેણાક વિસ્તારોમાં પીજીવીસીએલની આ પ્રકારની બેદરકારીના કારણે આસપાસ રમતા બાળક સાથે કોઈ પણ સમયે દુર્ઘટના ઘટે તેવા પણ એંધાણ સ્પષ્ટ નજરે પડે છે. આથી પીજીવીસીએલ તંત્ર કોઈ મોટી દુર્ઘટના થાય તે પૂર્વે આળસ ખંખેરી શહેરના તમામ વીજ ટ્રાન્સફોર્મર ફરતે લગાવવામાં આવેલ લોખંડની સેફ્ટી ગ્રીલનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે.

