અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ મંત્રાલયને પરમાણુ હથિયારોના પરીક્ષણનો આદેશ આપ્યો હતો, જેના પગલે રશિયાએ પ્રતિક્રિયા આપી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સ્પષ્ટ કર્યું કે રશિયા અમેરિકાના પગલાંના આધારે જ પોતાનો આગળનો નિર્ણય લેશે.

પેસ્કોવે વધુમાં જણાવ્યું કે, ‘ટ્રમ્પે પોતાના નિવેદનમાં કથિત રીતે કેટલાક દેશો પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ હાલમાં તેમને કોઈ પરીક્ષણની જાણ નથી. તેમણે સ્પષ્ટતા કરી કે જો આનો અર્થ ‘બ્યુરવેસ્ટિનક’ (Burevestnik)ના પરીક્ષણ સાથે હોય તો પણ તે કોઈપણ રીતે પરમાણુ પરીક્ષણ નથી.’
અમેરિકા વિરુદ્ધની કાર્યવાહી પર રશિયા શું બોલ્યું?
રશિયાએ સ્પષ્ટતા કરી કે, ‘દરેક દેશ પોતપોતાની સંરક્ષણ પ્રણાલીઓ વિકસાવી રહ્યા છે, પણ આ પરમાણુ પરીક્ષણ નથી. ભલે અમેરિકા એક સાર્વભૌમ દેશ છે અને તેને પોતાના નિર્ણયો લેવાનો પૂરો અધિકાર છે, છતાં પણ હું રાષ્ટ્રપતિ પુતિનનું નિવેદન યાદ કરાવવા માંગીશ. આ નિવેદન ઘણી વખત પુનરાવર્તિત થયું છે કે જો અમેરિકા પરમાણુ પરીક્ષણ પરનો પ્રતિબંધ હટાવશે, તો રશિયા પરિસ્થિતિ અનુસાર કાર્યવાહી કરશે.
‘રશિયાએ ક્રૂઝ મિસાઇલનું કર્યું હતું પરીક્ષણ
રશિયાએ 26 ઓક્ટોબરના રોજ ક્રૂઝ મિસાઇલના પરીક્ષણની માહિતી આપી હતી. રશિયાના આ પગલાના થોડા જ દિવસોમાં અમેરિકન પ્રમુખએ પરમાણુ હથિયારોના પરીક્ષણનો આદેશ આપી દીધો. ટ્રમ્પે એવો દાવો પણ કર્યો કે પરમાણુ હથિયારના મામલામાં અમેરિકા સૌથી આગળ છે.
IANS અનુસાર ‘ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ’એ ભારત સહિત કુલ 9 દેશોના પરમાણુ હથિયારોની સંખ્યાની યાદી જાહેર કરી છે. રિપોર્ટમાં 2025ના આંકડા દર્શાવવામાં આવ્યા છે. આ રિપોર્ટ મુજબ રશિયા પાસે 5,449 પરમાણુ હથિયારો છે, જ્યારે નાટો દેશોને મળીને 5792 પરમાણુ હથિયારો છે. નાટો દેશોમાં અમેરિકા પાસે 5277 પરમાણુ હથિયારો છે.

