ભરૂચ જિલ્લાના વાગરા-દેરોલ કેનાલ માર્ગ પર છેલ્લા ૪-૫ મહિનાથી ગોકળગતિએ ચાલી રહેલા રોડ નવનિર્માણ કાર્ય અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પ્રજામાં ભારે આક્રોશ ફેલાયો છે.

આ જીવલેણ બેદરકારીનો ભોગ ઝાડેશ્વરના રહેવાસી જયેશભાઈ પ્રજાપતિ બન્યા હતા, જેમની બાઇકની રોડ પરના ખાડામાં પટકાતા ચેસીસ તૂટી ગઈ હતી, જોકે તેમનો જીવ બચી ગયો હતો.
આ ઘટનાએ તંત્રની બેદરકારી ખુલ્લી પાડતા, જાગૃત આગેવાન પટેલ ઇમ્તિયાઝે આ બિનરાજકીય જનવેદના તંત્ર સુધી પહોંચાડવા માટે તા. ૦૮ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ જન આક્રોશ કાર્યક્રમનું આહવાન કર્યું છે.
તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો રોડનું કામ ગુણવત્તા સાથે અને પૂરઝડપે પૂર્ણ નહીં થાય તો સ્થાનિક આગેવાનો સાથે મળીને આ કાર્યક્રમ યોજાશે. તેમણે વાગરાના ધારાસભ્ય અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પણ આ જનવેદનામાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું છે. પ્રજાની માંગ છે કે તંત્ર તાત્કાલિક પગલાં ભરીને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરે.

