ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના ત્રણેય ઝોનમાં મેગા સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જાહેરમાં ગંદકી ફેલાવતા વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જાહેરમાં થૂંકવું, ગંદકી કરવી, પેશાબ, શૌચક્રિયા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ ૧૨૦ વ્યક્તિઓ પાસેથી ૪૭,૭૫૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતા બાબતે ખૂબ જ આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે અને અધિકારીઓ દ્વારા પણ ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં જઈને ઓચિંતી થી તપાસ કરવામાં આવી રહી છે. સફાઈની બાબતમાં પણ અવારનવાર સરપ્રાઈઝ ચેકિંગ કરીને ગેરહાજર કર્મચારીઓને દંડવવામાં આવી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા મેગા સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોર્પોરેશનના ઉત્તર,મધ્ય અને દક્ષિણ ઝોનમાં એક સાથે જ અધિકારી કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓને દંડવવામાં આવ્યા હતા. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ ૩૧ વ્યક્તિઓ પાસેથી ૨૦,૨૫૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તો જાહેરમાં ગંદકી ફેલાવતા ૭૬ વ્યક્તિઓ પાસેથી ૨૩,૨૫૦નો દંડ લેવામાં આવ્યો હતો. જ્યારે જાહેરમાં થૂંકતા પકડાયેલા ૫ વ્યક્તિઓ, જાહેરમાં પેશાબ કરતાં પાંચ વ્યક્તિઓ અને ને શૌચક્રિયા કરનાર એક વ્યક્તિ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં સૂકો અને ભીનો કચરો અલગ નહીં રાખનાર બે વેપારીઓ પાસેથી પણ ૧૦૦૦ રૃપિયાનો દંડ લેવામાં આવ્યો હતો. આમ કુલ ૧૨૦ વ્યક્તિઓ પાસે આ ડ્રાઇવ દરમિયાન ૪૫,૭૫૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા આ પ્રકારની સ્વચ્છતા ડ્રાઈવ સમયાંતરે ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

