અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજસ્થાનમાં રોડ અકસ્માતની વધુ એક મોટી ઘટના સામે આવી છે. જયપુરના હરમાડા વિસ્તારમાં પૂર ઝડપે આવી રહેલી ડમ્પર ટ્રકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. જ્યારે ૫૦ લોકોને કચડયા હતા. જેને પગલે આશરે ૧૯ લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનંુ હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું હતું. ૨૪ કલાકમાં રાજસ્થાનમાં ગોઝારા અકસ્માતની આ બીજી ઘટના સામે આવી છે.

સોમવારે રાજસ્થાનના જયપુરમાં લોહા મંડી વિસ્તારમાં પૂર ઝડપે એક ખાલી ડમ્પર ટ્રક આવી રહી હતી, જેણે એક પછી એક આશરે ૧૭ જેટલા વાહનોને અડફેટે લીધા હતા, ટ્રકની સ્પીડ એટલી હતી કે અનેક વાહનો દૂર સુધી ફંગોળાયા હતા અને લોકોના મૃતદેહ રોડ પર પડયા હતા. બપોરે આશરે એક વાગ્યા આસપાસ રોડ નંબર ૧૪થી આવી રહેલી એક ટ્રક પેટ્રોલ પંપ પાસે હાઇવે પર ઘૂસવા પ્રયાસ કરી રહી હતી, તે સમયે જ આ અકસ્માત થયો હતો. પહેલા ટ્રકે એક બાઇક સવારને અડફેટે લીધો હતો બાદમાં જે પણ વાહન વચ્ચે આવતુ ગયું તેને ટ્રક ટક્કર મારતી ગઇ. એક જ રોડ પર સળંગ ૧૭ જેટલા વાહનોને ટક્કર મારી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બમ્બરનો ડ્રાઇવર નશામાં હતો, પૂર ઝડપથી ચાલી રહેલી ટ્રકે આશરે પાંચ કિમી સુધી જે પણ વચ્ચે આવ્યું તેને ઉડાવી દીધુ હતું. આ ઘટનાના હચમચાવી નાખનારા વીડિયો અને તસવીરો સામે આવી છે. જેમાં રોડ પર અનેક મૃતદેહો પડેલા દેખાડવામાં આવ્યા છે. ડ્રાઇવરે પાંચ કિમી સુધી બેફામ ડ્રાઇવિંગ કર્યું હતું. આ ટ્રક સીકર રોડે થઇને જયપુર દિલ્હી નેશનલ હાઇવે તરફ જઇ રહ્યો હતો, હાઇવે પર પહોંચે તે પહેલા જ ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હતો અને વાહનો, બાઇક સવારોને ટક્કર મારતી ગઇ.
લોકોના મૃતદેહના અંગો પણ વેરવિખેર થઇ ગયા હતા, રોડ પર હાથ તો ક્યાંક પગ પડેલા હતા, જે લોકો રોડની બાજુમાં ઉભા હતા તેઓ પણ આ મોતના ડમ્બરનો શિકાર બની ગયા હતા. રવિવારે જ રાજસ્થાનમાં ટેમ્પો ટ્રાવેલરની ટ્રક સાથે ટક્કર થતા ૧૦ મહિલાઓ, ચાર બાળકો સહિત ૧૫ લોકો માર્યા ગયા હતા. હવે ૨૪ કલાકમાં જ રાજસ્થાનમાં રોડ અકસ્માતની આ બીજી ઘટના સામે આવી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારને બે લાખની સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ઉપમુખ્યમંત્રી દીયા કુમારી અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
કાર ચાલક સાથે ઝઘડા બાદ ડ્રાઇવરે ડમ્પર બેફામ ચલાવ્યું હતું
એવા અહેવાલો છે કે જયપુરમાં ડમ્પરે અનેક વાહનોને અડફેટે લીધા તે પહેલા ડમ્પરના ડ્રાઇવરે એક પેટ્રોલ પમ્પ પાસે એક કાર ચાલક સાથે ઝઘડો કર્યો હતો, આ ઝઘડાથી હુસ્સે ભરાયેલા ટ્રક ચાલકે સ્પીડ વધારી દીધી હતી. અને જે પણ વચ્ચે આવ્યું તેને ટક્કર મારી ઉડાવી દીધુ હતું. સ્થાનિક લોકોએ ડ્રાઇવરને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. કાર ચાલક સાથે થયેલા ઝઘડા બાદ નશામાં ટ્રકના ડ્રાઇવરે પાંચ કિમી સુધી ટ્રકને પૂર ઝડપે ચલાવી અનેક લોકોને ટક્કર મારી હતી.

