જૂનાગઢના ભારતી આશ્રમના ગુમ લઘુ મહંતને શોધવા માટે પોલીસ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરી રહી છે છતાં કોઈ પત્તો મળ્યો ન હતો. ગત રાત્રિના ગુમ મહંતે ટ્રસ્ટના મેનેજરને ફોન કરી પોતે જટાશંકર આસપાસ હોવાનું જણાવ્યું હતું. આ અંગે જાણ થતા પોલીસની ટીમ પહોંચી હતી પરંતુ ત્યાં કોઈ મળ્યું ન હતું. ડોગ પણ પ્રેરણાધામથી થોડે આગળ જઈ અટકી ગયો હતો. હાલ પોલીસે ફરી સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું છે. આમ, ગુમ મહંતે પોલીસને પણ ધંધે લગાડી છે.

ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી ગઈકાલે વહેલી સવારે પાંચ શખ્સોના નામ સાથે પાંચ પાનાની સ્યુસાઈડ નોટ લખી આશ્રમમાંથી નીકળી ગયા હતા. તેમાં ‘હું મારૂ જીવન ગિરનારનાં સાંનિધ્યમાં પૂર્ણ કરવા જઈ રહ્યો છું’ સહિતનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે આશ્રમના સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા તપાસતા તેમાં વહેલી સવારે પોણા ચાર વાગ્યે મહાદેવ ભારતી આશ્રમમાંથી જતા જોવા મળ્યા હતા. આ દરમ્યાન ગત રાત્રિના ગુમ મહાદેવ ભારતીએ ટ્રસ્ટના મેનેજરને ફોન કરી 15 મિનિટ વાત કરી હતી. જેમાં ‘હવે હું શું કરૂ, હું જટાશંકર આસપાસ છું’ કહેલું તેમજ આશ્રમના અન્ય વ્યક્તિઓ સામે આક્ષેપ કર્યા હતા. ટ્રસ્ટ દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, મેનેજરે જાણ કર્યા બાદ તુરંત પોલીસની ટીમ જટાશંકર વિસ્તારમાં ગઈ હતી. ત્યાંથી કોઈ મળ્યું ન હતું. જટાશંકરના મહંતે પણ અહીં કોઈ આવ્યું ન હોવાનું કહ્યું હતું. ગુમ લઘુ મહંતને શોધવા માટે આજે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. ભારતી આશ્રમથી ડોગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ડોગ પ્રેરણાધામથી થોડે આગળ સુધી ગયો હતો પરંતુ ગુમ લઘુ મહંતની કોઈ ભાળ મળી ન હતી.
ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુમ લઘુ મહંત વેશપલ્ટો કરી કોઈ વાહનમાં જતા રહ્યા છે કે કેમ ? એ દિશામાં તપાસ માટે ભવનાથ ક્ષેત્રના સીસીટીવી ફરી તપાસવામાં આવી રહ્યા છે. હજુ સુધી તેમાં પણ કોઈ સફળતા મળી નથી. આમ, સ્યુસાઈડ નોટ લખી ગુમ થયેલા લઘુ મહંતની બે દિવસ બાદ પણ કોઈ ભાળ ન મળતા અનેક સવાલો ઉઠયા છે. હાલ તો પોલીસ ગુમ મહંતને શોધવા માટે ધંધે લાગી છે.

