અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) છત્તીસગઢમાં બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 6થી વધુના મોત થયા હોવાની આશંકા છે. અનેક ઘાયલ પણ થયા છે. બિલાસપુર રેલવે ડિવિઝન અંતર્ગત લાલખદાન ક્ષેત્રમાં આજે મંગળવારે બપોરે આશરે ચાર વાગ્યે માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત થયો હતો. હાવડા રૂટ પર ચાલી રહેલી પેસેન્જર મેમો ટ્રેનનો એક ડબ્બો અચાનક સામેથી આવતી માલગાડી સાથે અથડાયો હતો.

પ્રારંભિક રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટનામાં પાંચથી વધુના મોતની આશંકા છે. ડઝનથી વધુ મુસાફરો ગંભીર રૂપે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને તુરંત નજીકના હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રેલવે વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં તુરંત ઈમરજન્સી ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી છે. દક્ષિણ-પૂર્વ-મધ્ય રેલવેના અધિકારીઓ અનુસાર, બિલાસપુરના સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટર્સની ટીમ ઈજાગ્રસ્તોની સારવાર થઈ રહી છે. રેલવેએ હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે, જેથી પરિવારજનો પોતાના પ્રિયજનો વિશે માહિતી મેળવી શકે. એનડીઆરએફ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે.
ટ્રેનનો આગલો હિસ્સા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત
હાલ આ રૂટ પર ટ્રેનોનું સંચાલન ઠપ કરવામાં આવ્યું છે. આ રૂટ પર સંચાલિત અનેક એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનના રૂટ ડાયવર્ટ અથવા તો રદ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં પેસેન્જર ટ્રેનના આગલા હિસ્સાનું કચ્ચરઘાણ થયુ છે. લેડીઝ કમ્પાર્ટમેન્ટમાંથી મહિલાઓને સુરક્ષિતપણે બહાર કાઢવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, 10થી વધુ લોકોના મોત થવાની આશંકા છે. ઉલ્લેખનીય છે, હજી અકસ્માત પાછળનું કારણ જાણી શકાયુ નથી. રેલવેએ આ ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે.

