શાહિદ કપૂર, રશ્મિકા મંદાના તથા ક્રિતી સેનનની ફિલ્મ ‘કોકટેલ ટુ’નું શૂટિંગ આ મહિને દિલ્હીમાં થવાનું છે. હાલ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ માઝા મૂકી રહ્યું હોવાથી તેને લગતા ઉપાયો કરવામાં ફિલ્મનાં શૂટિંગનો ખર્ચ વધી ગયો હોવાનું જાણવા મળે છે.

ફિલ્મ માટે આશરે દસ દિવસ સુધી આઉટડોર શૂટિંગ થવાનું છે. મોટાભાગે નિર્માતાઓ વહેલી સવારે જ શૂટિંગ શરુ કરવાનું ઈચ્છતા હોય છે પરંતુ દિલ્હીમાં સવારના કલાકો દરમિયાન જ મહત્તમ પ્રદૂષણ રહેતું હોવાથી સમગ્ર ક્રૂ તથા કલાકારોને પ્રદૂષણની માઠી અસર ન નડે તે માટે ખાસ પગલાં લેવાઈ રહ્યાં છે. રશ્મિકા, શાહિદ અને ક્રિતી સેનન સહિતના કલાકારોની વેનિટી વાનમાં એર પ્યોરિફાયર્સ ઈન્સ્ટોલ કરવાનું નક્કી કરાયું છે.
આ ઉપરાંત શૂટિંગ સ્થળે સતત સ્પ્રિન્કલર્સથી પાણી છાંટવામાં આવશે. તમામ ટેકનિકલ ક્રૂ માટે મોટી સંખ્યામાં માસ્ક મગાવાયા છે. જે ક્રૂ મેમ્બર્સને શ્વાસોચ્છવાસને લગતી તકલીફ છે તેમના બદલે અન્ય ક્રૂનું રિપ્લેસમેન્ટ કરાઈ રહ્યું છે.
દિલ્હી બોલીવૂડના અનેક નિર્માતાઓ માટે માનીતું શહેર છે પરંતુ આ વખતે પ્રદૂષણના કારણે અનેક નિર્માતા અહીં સ્ટોરીની ખાસ ડિમાન્ડ ન હોય અથવા તો આજુબાજુના શહેરોમાં દિલ્હીનો માહોલ સર્જી શકાતો હોય તો દિલ્હીમાં શૂટિંગ કરવાનું ટાળી રહ્યા છે. દિલ્હીનાં આઈકોનિક સ્થળોનાં દ્રશ્યો માટે વીએફએક્સ તથા કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ થઈ રહ્યો છે.

