રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હેરફેર અને વેચાણ પર સખ્તાઈથી નિયંત્રણ લાવવાના અભિયાનના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધંધુકા તાલુકાના વાગડ ગામ નજીક એક મોટી અને સફળ પ્રોહિબિશન કટિંગ રેડ કરવામાં આવી હતી. SMC ની ટીમે જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી, ગુજરાતમાં દારૂ ઘુસાડવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

SMC દ્વારા વાગડથી સમાધિયાળા તરફના રોડ પરના એક ખુલ્લા ખેતરમાં દરોડો પાડીને ૩૪૯૧ નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ જથ્થાની કિંમત રૂ. ૪૨,૯૮,૬૮૦/- આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ૫ વાહનો (કિં.રૂ. ૩૬,૧૦,૦૦૦/-), ૭ મોબાઇલ ફોન, અને રોકડ રકમનો સમાવેશ થાય છે. મળીને કુલ રૂ. ૭૯,૫૨,૩૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરીને દારૂના આંતરરાજ્ય નેટવર્ક પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે.
તપાસમાં બહાર આવ્યું છે કે, જપ્ત કરાયેલો દારૂનો જથ્થો પંજાબ સ્થિત યુનાઇટેડ સ્પિરિટ્સ લિ., પર્નોડ રિકાર્ડ ઇન્ડિયા, ઓમ સન્સ માર્કેટિંગ, ઇનબ્રુ બેવરેજીસ, અને બ્રોસવોન બ્રેવરીઝ સહિતની પાંચ અલગ-અલગ ડિસ્ટિલરીઓમાં તૈયાર થયેલો હતો.
આ દરોડામાં SMC દ્વારા ઘટનાસ્થળેથી દારૂનો ઓર્ડર કરનારના ભાગીદાર, દારૂ મેળવનારા (રીસીવર), અને આઇશર ટેમ્પોના ડ્રાઇવર સહિત પાંચ આરોપીઓ હરપાલ સિંહ ઉર્ફે ભાનુ મનોહર સિંહ ઝાલા (કચ્છ), ધર્મરાજ ઉર્ફે ગોપાલ બળવંતસિંહ ચુડાસમા (વાગડ ગામ), મેઘરાજસિંહ હરિચંદ્રસિંહ ચુડાસમા (આઇશર ટેમ્પો ડ્રાઇવર), દિગ્વિજય સિંહ ભરત સિંહ પરમાર, અને શકીલ ઉર્ફે સલમાન ઇકબાલભાઈ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS-૨૦૨૩) ની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, દારૂના આ સમગ્ર નેટવર્કના મુખ્ય સપ્લાયર અનિલ જગદીશપ્રસાદ પંડ્યા (રાજસ્થાન) અને મુખ્ય સૂત્રધાર અર્જુનસિંહ બળવંતસિંહ ચુડાસમા સહિત પાંચ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો દોર રાજસ્થાન તરફ લંબાવવામાં આવ્યો છે.
