H-1B Visa: અમેરિકન સરકારે H-1B વિઝા પ્રોગ્રામના સંભવિત દુરુપયોગને લઈને કડક વલણ અપનાવ્યું છે. અમેરિકન કંપનીઓમાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગ જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી નિષ્ણાતોને નોકરી પર રાખવાની મંજૂરી આપતા આ વિઝા પ્રોગ્રામના દુરુપયોગની આશંકાના પગલે સરકારે ઓછામાં ઓછી 175 કંપનીઓ સામે તપાસ શરૂ કરી છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લેવાયેલો આ નિર્ણય અમેરિકન નોકરીઓના રક્ષણ અને વિદેશી વ્યાવસાયિકો કરતાં સ્થાનિક કર્મચારીઓને પ્રાથમિકતા આપવાની તેમની નીતિનો એક ભાગ છે. ઈમિગ્રેશન સુધારા અને નોકરી સુરક્ષા સંબંધિત ઘણાં મોટા નિર્ણયો તાજેતરમાં લેવામાં આવ્યા છે.

સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના શ્રમ વિભાગે ‘પ્રોજેક્ટ ફાયરવોલ’ નામની એક પહેલ શરૂ કરી હતી. આ પ્રોજેક્ટનો હેતુ કંપનીઓને ઓછા વેતન પર વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાથી અટકાવવાનો અને યોગ્ય અમેરિકન કર્મચારીઓને નોકરી પર રાખવાને પ્રોત્સાહન આપવાનો છે. અમેરિકાના લેબર સેક્રેટરી લોરી ચાવેઝ ડેરેમરે જણાવ્યું કે, ‘અમે H-1B વિઝાના દુરુપયોગને રોકવા માટે દરેક શક્ય પગલાં લઈ રહ્યા છીએ.’ બીજી તરફ શ્રમ વિભાગ H-1B વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
તાજેતરમાં શ્રમ વિભાગે એક આક્રમક સોશિયલ મીડિયા ઝુંબેશ પણ શરૂ કરી હતી. આ ઝુંબેશમાં કેટલીક કંપનીઓ પર યુવા અમેરિકન કર્મચારીને સસ્તા વિદેશી કર્મચારી સાથે બદલવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો.આ ઝુંબેશમાં ભારતને H-1B વિઝાના સૌથી મોટા લાભાર્થી તરીકે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ઝુંબેશનો સ્પષ્ટ સંદેશ એ હતો કે H-1B વિઝાના દુરુપયોગ દ્વારા વિદેશી કામદારોને નોકરીઓ આપીને અમેરિકન કર્મચારીઓ પાસેથી ‘અમેરિકાના સપના’ છીનવી લેવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, H-1B વિઝા લાંબા સમયથી યુએસ ટેક ઉદ્યોગમાં વૈશ્વિક પ્રતિભાને આકર્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન રહ્યું છે, પરંતુ હવે આ વિઝા પ્રોગ્રામ નોકરીની સુરક્ષા અને ઇમિગ્રેશન સુધારા અંગેની રાષ્ટ્રીય ચર્ચામાં એક મુખ્ય અને વિવાદાસ્પદ મુદ્દો બની ગયો છે.

