ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓછણ ગામે ગત તારીખ ૦૪/૧૧/૨૦૨૫ના રોજ બનેલા એક ખૂનના બનાવમાં વાગરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી શ્રમિક શિવરામ સુધુ ચંદ્રવંશી ગુમ થવાની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસમાં ખુલાસો થયો કે શિવરામની હત્યા તેના સાથીદાર શ્રમિક સૂરજ શાહલાલ મર્સકોકેએ કરી છે.

પોલીસ પૂછપરછમાં આરોપી સૂરજ મર્સકોકેએ કબૂલાત કરી કે જમવા બાબતે થયેલા ઝઘડા અને અવારનવારની પરેશાનીની રીસ રાખીને તેણે શિવરામનું ગળું દબાવીને મોત નીપજાવ્યું હતું અને લાશને ઓછણ ગામના તળાવમાં ફેંકી દીધી હતી.પોલીસે તળાવમાંથી મૃતદેહ શોધી કાઢી, કોન્ટ્રાકટરની ફરિયાદના આધારે ખૂનનો ગુનો નોંધી, ગણતરીના કલાકોમાં જ આરોપી સૂરજ શાહલાલ મર્સકોકેને ઓછણ ગામની સીમમાંથી ઝડપી પાડ્યો છે. વાગરા પોલીસે સફળતાપૂર્વક આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

