એક તરફ ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. દરેક રીતે હેરાન પરેશાન છે, આત્મહત્યાઓ કરી રહ્યા છે. એની ચિંતા કરવાને બદલે, એના માટે આગળ આવવાને બદલે, આ ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી સરકાર ઢોલ પીટી રહી છે કે અમે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું.પણ આ પેકેજના નામે જે પડીકું જાહેર કર્યું છે, એમાંથી ખેડૂતોને વીઘે ફક્ત ₹3500 મળવાના છે. અને આ જ સરકારની આવી ખોટી નીતિને કારણે, જે બુદ્ધિનું પ્રદર્શન કરે છે, જે ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બિછાવે છે પણ ખેડૂતો જ્યારે મરી રહ્યા છે એની ચિંતા નથી કરતા, એના કારણે પહેલા દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરી, ઊનામાં ખેડૂતે આત્મહત્યા કરી.

અને દુઃખ સાથે કહેવું પડે કે પેકેજ જાહેર કર્યાના બે દિવસમાં રાજકોટમાં કોટડા સાંગાણીમાં ખેડૂતે આત્મહત્યા કરી, જસદણના ખેડૂતે આત્મહત્યા કરી. મારે ભૂપેન્દ્રભાઈ પટેલને પૂછવું છે કે કેટલા ખેડૂતોનો ભોગ લેશો? કેટલા લોકો મરે એની રાહ જુઓ છો?ખાલી પેકેજની જાહેરાતો કરો છો, પણ જમીન પર જે હકીકતો છે એ તો જુઓ. તમે ખેતરમાં ફોટા પડાવવા ગયા, પણ ખેડૂતોની હાલત ના સમજ્યા, એના માટે દયા રાખીને વધારે કેવી રીતે મદદ થાય એ વિચાર ના આવ્યો. ફક્ત જાહેરાતો કરો છો.
ફરી સરકારને કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતમાં ખેડૂતોને મરતા બચાવો. તાત્કાલિક ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરો, નહીંતો અત્યારે જે ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ આંકડો આવનારા દિવસોમાં ખૂબ મોટો થવાનો છે.જો સરકાર નહીં જાગે, ખેડૂતો માટે મદદ કરવા આગળ નહીં આવે, એના સંપૂર્ણ દેવા માફ નહીં કરે, તો ગુજરાતમાં ખેડૂતોની હાલત ખૂબ ખરાબ થવાની છે. એની જવાબદારી આ સરકારની થવાની છે. ત્યારે સંપૂર્ણ ખેડૂતોના દેવા તાત્કાલિક માફ થવા જોઈએ..
