હિન્દી સિનેમાના પીઢ અભિનેતા અને જાણિતા વિલન પ્રેમ ચોપડાને હૃદય સંબંધિત સમસ્યાના કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 90 વર્ષીય અભિનેતાની તબિયત સોમવારે અચાનક લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા છે. હાલ તેમની તબિયત સારી છે અને બેથી ત્રણ દિવસમાં રજા આપવામાં આવે તેવી શક્યતા છે.
પ્રેમ ચોપડાના જમાઈ અને અભિનેતા વિકાસ ભલ્લાએ તેમની તબિયત વિશે માહિતી આપતા કહ્યું કે, ‘સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ઠીક છે અને થોડા દિવસોમાં તેમને રજા આપી દેવામાં આવશે. આ બધું ઉંમરને કારણે છે અને એક નિયમિત પ્રક્રિયા છે. ચિંતાની કોઈ વાત નથી.’

હોસ્પિટલના ડોક્ટર જલીલ પારકરે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ‘પ્રેમ ચોપડાજીને બે દિવસ પહેલા તેમના પારિવારિક હૃદયરોગ નિષ્ણાત ડો. નિતિન ગોખલેની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હૃદય સંબંધિત સમસ્યા તેમજ વાયરલ અને ફેફસામાં સંક્રમણ પણ થયું છે. તેઓ આઈસીયુમાં નથી, પરંતુ સામાન્ય વોર્ડમાં છે અને તેમની હાલત ગંભીર નથી.’
બોલિવૂડના અન્ય એક દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત પણ સોમવારે (10 નવેમ્બર) અચાનક બગડતાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્રની તબિયત હાલમાં સ્થિર છે. તેમને આગામી 48 કલાક સુધી ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આ સમાચાર મળતાં જ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેમની તબિયત જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

