જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતી હંસાબેન નાનજીભાઈ ધ્રુવ નામની 42 વર્ષની પરણીત મહિલાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતકના હર્ષદપુર ગામમાં રહેતા પુત્ર કરણ નાનજીભાઈ ધ્રુવએ પોલીસને જાણ કરતાં લાલપુરના એએસઆઈ ડી.ડી.જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને હંસાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછમાં હંસાબેનના લગ્ન જામનગર તાલુકાના હર્ષદપુર ગામમાં રહેતા નાનજીભાઈ ધ્રુવ સાથે થયા હતા, જે લગ્ન દરમિયાન તેઓને એક પુત્ર અને એક પુત્રી સહિત બે સંતાનો પ્રાપ્ત થયા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિ પત્ની વચ્ચે મનદુઃખ થયું હોવાથી તેઓ રિસામણે બેઠા હતા, અને આરબલુસ ગામે એકલા રહેતા હતા. જે દરમિયાન ગઈકાલે તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

