ગુજરાતની જીલ્લા બેંકો અને અર્બન બેંકો પોતાના ગ્રાહકોને સહકારી બેંકોના પોતાના QR આપી શકે તે જરૂરીયાતને ધ્યાનમાં રાખતા GSC બેંક દ્વારા UPI મર્ચન્ટ QR કોડ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેનો પ્રારંભ રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ સહકાર વિભાગના “સહકાર થી સમૃદ્ધિ” પ્રોજેક્ટ અંતર્ગત થયેલ વિકાસ કાર્યો વિષે ખુબ ઊંડાણપૂર્વક વાત કરી હતી. આ પ્રસંગે ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે ગુજરાત રાજ્યમાં સહકારી બેંકિંગ વ્યવસ્થા અંતર્ગત થતી વિશેષ કામગીરીની ચર્ચા કરી હતી. ત્યારબાદ મંત્રી જીતુભાઈ વાઘાણીના તેમજ મંચસ્થ મહાનુભાવોના હસ્તે ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ બેંક લિ. અને ધી અમદાવાદ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લિ. ના ગ્રાહકોને UPI મર્ચન્ટ QR કોડ એનાયત કરવામાં આવ્યા હતા.

આજના બદલતા યુગમાં બેન્કિંગ વ્યવસાયમાં કોમ્પ્યુટરાઈઝેશન અને તેને આનુસંગિક ટેકનોલોજી અપનાવવું અત્યંત જરૂરી છે અને તેમાં સતત અપગ્રેડેશન કરતા રહેવું પડે તે પણ એટલું જ જરૂરી છે. ત્યારે ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક દ્વારા સહકારી બેંકો માટે “એક છત્ર હેઠળ” તમામ અતિઆધુનિક સેવાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે જરૂરી ટેકનોલોજી થી સભર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરેલ છે. જેના મારફતે સબમેમ્બર બેંકોને CTS/CSGL/RTGS /NEFT/NDS/ATM/IMPS/UPI/NACH/AePS જેવી સેવાઓ આપવામાં આવે છે. આજ આયામમાં વધુ એક સેવા UPI મર્ચન્ટ QR કોડ સેવા શરુ કરવામાં આવી છે. આ પ્રસંગે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના CISO અને નાબાર્ડ ના સાયબર સિક્યુરીટી વિભાગના હેડ દ્વારા બેંકિંગ ક્ષેત્રે સાયબર સિક્યુરીટી વિષય ની અગત્યતા અંતર્ગત વર્કશોપ આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યની ૧૮ જીલ્લા બેંકો અને ૧૧૦ અર્બન બેંકોના ચેરમેન, ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, મેનેજીંગ ડિરેક્ટર્સ, આઈ.ટી. ઓફિસર્સે હાજર રહ્યા હતા.


