વાગરા તાલુકાના ગંધાર ગામે દરિયાઈ ભાથા ખાતે સમસ્ત આહિર અને ભરવાડ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં ધાર્મિકતાની સાથે સંવેદનશીલતાના દર્શન થયા હતા. કથાના ત્રીજા દિવસે, ધાર્મિક વાતાવરણ વચ્ચે દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વ્યાસપીઠ પરથી વિનોદ ભટ્ટ શાસ્ત્રીજીએ રાષ્ટ્રીય આપત્તિ અંગે દુઃખ વ્યક્ત કરતાં, ઉપસ્થિત સૌ શ્રદ્ધાળુઓએ ઊભા થઈને બે મિનિટનું મૌન પાળી મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર રામકુંડ આશ્રમના ગંગાદાસ બાપુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આહિર અને ભરવાડ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ એકજૂથ થઈને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

