WORLD : અમેરિકામાં જનતા મોંઘવારીથી ત્રસ્ત, ટ્રમ્પ ખાદ્ય વસ્તુના ટેરિફ ઘટાડવા મજબૂર

0
47
meetarticle

અમેરિકામાં ટ્રમ્પના ટેરિફના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે, જેના કારણે સામાન્ય જનતા ટ્રમ્પથી નારાજ છે. વધુમાં મોંઘવારી સહિતના મુદ્દા પર અમેરિકામાં ન્યૂયોર્ક સહિત અનેક શહેરોમાં રિપબલ્કિનોનો કારમો પરાજય થતાં ટ્રમ્પે જનતાના આક્રોશ સામે ઝુકવું પડયું છે. ટ્રમ્પે ટામેટા, કેળા સહિત અનેક શાકભાજી -ફળો પરના ટેરિફમાં જંગી કાપ મૂકવો પડયો છે, જેને પગલે હવે અમેરિકનોને રાહત મળવાની શક્યતા છે. બીજીબાજુ ટ્રમ્પે ચાર દેશો સાથે કરાર કરી ત્યાંથી કેટલીક ખાદ્ય વસ્તુઓની આયાત શૂન્ય ટકા કરી દીધી છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવ્યા ત્યારથી દુનિયાના દેશો પર ટેરિફનું શસ્ત્ર ઉગામી તેમને ડરાવી રહ્યા છે. જોકે, આ ટેરિફના કારણે હવે અમેરિકામાં પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અમેરિકામાં મોંઘવારી છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ થઈ ગઈ છે. કોફી, ટ્રોપિકલ ફ્રૂટ્સ, ટામેટા, કેળા, બીફ સહિત ખાદ્ય વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને પગલે જનતામાં ટ્રમ્પ વિરુદ્ધ ભારે નારાજગી વધી રહી છે.

જનતાની નારાજગી દૂર કરવા માટે આખરે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શુક્રવારે ખાદ્ય વસ્તુઓ પરના ટેરિફમાં તાત્કાલિક ઘટાડો કરવો પડયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પે જે ખાદ્ય વસ્તુઓ પરથી ટેરિફ હટાવ્યા છે, તેમાં મોટાભાગે એવી ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે, જેને અમેરિકન પરિવારો પોતાનું પેટ ભરવા માટે નિયમિત ખરીદે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં દુનિયાના મોટાભાગના દેશો પર ટેરિફ નાંખ્યા ત્યારથી પોતે અને તેમનું તંત્ર સતત દાવા કરી રહ્યું છે કે ટેરિફથી અમેરિકન ગ્રાહકોને નુકસાન નહીં થાય, મોંઘવારી નહીં વધે. ઉલટાનું અમેરિકન સરકારની આવક વધી જશે. પરંતુ બજારમાં વધતા ભાવ કંઈક અલગ જ વાત રજૂ કરતા હતા.

આવા સંજોગોમાં વર્જીનિયા, ન્યૂ જર્સી અને ન્યૂયોર્ક સિટી જેવા શહેરોમાં મેયરની ચૂંટણીઓમાં ટ્રમ્પના રિપબ્લિક પક્ષનો કારમો પરાજય થયો અને ડેમોક્રેટ્સ જીતી ગયા. આ ચૂંટણીઓમાં મોંઘવારી અને મોંઘી થતી જીવનશૈલી મોટા મુદ્દા હતા. આ ચૂંટણીઓમાં રિપબ્લિકનોના પરાજયે ટ્રમ્પ સરકાર પર ટેરિફ ઘટાડવાનું દબાણ સર્જ્યું હતું. 

અમેરિકામાં બીફના ભાવમાં વિક્રમી ઉછાળો ટ્રમ્પ સરકાર માટે ચિંતાનો વિષય હતો. અમેરિકામાં બીફની આયાત મુખ્યત્વે બ્રાઝિલથી થાય છે. બ્રાઝિલ પર ટ્રમ્પે ૫૦ ટકા ટેરિફ નાંખ્યો હોવાથી બીફના ભાવ વધ્યા છે. આ સાથે અન્ય ખાદ્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો દૂર કરવા ટ્રમ્પે તાત્કાલિક અસરથી આ વસ્તુઓ પરના ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી હતી, જેનો અમલ શુક્રવાર રાતથી જ શરૂ થઈ ગયો છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગુરુવારે આર્જેન્ટિના, ઈક્વાડોર, ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોર સાથે નવી વેપાર સમજૂતીઓની જાહેરાત કરી હતી. તે લાગુ થયા પછી આ દેશોમાંથી આવતા કેટલાક  ખાદ્ય ઉત્પાદનો પર ટેરિફ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here