ગાંધીનગર નજીક નદી કિનારાના પાલજ ગામના ખેતરમાં બાંધેલી બે પાડી વન્યપ્રાણીએ ફાડી ખાધી હોવાને પગલે વનવિભાગ એક્ટીવ થઇ ગયું છે અને આ જગ્યા તથા આસપાસના વિસ્તાર ખુંદી કાઢવામાં આવ્યો છે જેમાં દીપડો કે બીલાડીકુળના પ્રાણી દ્વારા હૂમલો નહીં કર્યો હોવાનો નિષ્ણાંતોનો મત છે તેમ છતા કોઇ પણ વન્યપ્રાણી શિકાર કર્યા બાદ મારણ ખાવા માટે ફરી તે જગ્યાએ આવતો હોવાનું માનવામાં આવે છે જેથી અહીં વનવિભાગ દ્વારા એક પાંજરૃ મારણ સાથે ગોઠવવામાં આવ્યું છે.

ગાંધીનગર નજીકથી પસાર થતી સાબરમતી નદી કિનારાના પાલજ ગામના ખેતરમાં બાંધેલી ભેંસની બે પાડીઓનું જંગલી પ્રાણીના હૂમલાથી મોત થયું હતું.અહીં ગાંધીનગરની ઉર્જા રેન્જના અધિકારી સહિત વનકર્મીઓએ ખેતર તથા આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. અહીંથી પગમાર્ક પણ મળવામાં આવ્યા હતા જે અંગે વાઇલ્ડલાઇફ એક્સપર્ટ દ્વારા પગમાર્ક દીપડા કે બિલાડીકુળના પ્રાણી નહીં હોવાનું તારણ રજુ કર્યું હતું. ત્યારે આજે જિલ્લા નાયબ વનસંરક્ષક રવિરાજસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા પણ અહીંના ખેતર ખુંદવામાં આવ્યા હતા. પિયત ખેતરમાં જુના પગમાર્ક પણ તપાસવામાં આવ્યા હતા પરંતુ આ પગમાર્ક પણ ડોગફેમેલીના હોવાનું એક્સપર્ટનું સ્પષ્ટ માનવું છે તેમ છતા જે વન્યપ્રાણીએ હૂમલો કર્યો હોય કે શિકાર કર્યો હોત તે પ્રાણી ફરી જે તે જગ્યાએ મારણ ખાવા માટે આવતો હોવાની વાઇલ્ડલાઇફની થિયરી છે જેના પગલે આ શિકારી પ્રાણીને પકડવા માટે અહીં મારણ સાથે પાંજરૃ ગોઠવવામાં આવ્યું છે.
તો બીજીબાજુ શિકારી પ્રાણીને શોધવા વહેલી સવારે અને રાત્રે પણ ગામના ખેતર તથા જંગલ વિસ્તારમાં સર્ચ કરવા ડીએફઓ દ્વારા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત ગામના છેવાડે ડમ્પીંગ વિસ્તાર છે જ્યાં મરેલા પ્રાણી ફેંકવામાં આવતા હોય છે ત્યારે અહીં પણ તપાસ કરવા તથા પગલા શોધવા માટે કહેવામાં આવ્યું છે.

