NATIONAL : વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

0
34
meetarticle

 દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ અનેક સ્થળો પર દરોડા પાડી રહી છે. દિલ્હી પોલીસે હરિયાણાના નુહમાંથી વધુ બે ડોક્ટરો સાથે ત્રણની અટકાયત કરી છે. સાથે યુજીસી અને એનએએસીએ કથિત ગેરરીતિઓના આક્ષેપો કરતા અલ-ફલાહ યુનિવર્સિટી સામે બે એફઆઈઆર નોંધાવાઈ છે. બીજીબાજુ નેશનલ મેડિકલ કમિશને દિલ્હી બ્લાસ્ટ અને વ્હાઈટ ટેરર મોડયુલ સાથે સંકળાયેલા ડોક્ટરો સામે પગલાં લેતા તેમના લાઈસન્સ રદ કરી દીધા છે.

દિલ્હી બ્લાસ્ટ અને વ્હાઈટ કોલર ટેરર મોડયુલ સાથે સંકળાયેલા ડો. મુઝફ્ફર અહમદ, ડો. આદિલ અહમદ રાથર, ડો. મુઝમ્મિલ શકીલ અને ડો. શાહીન સઈદ સામે યુએપીએ હેઠળ કેસ નોંધાયા પછી નેશનલ મેડિકલ કમિશને ડોક્ટર તરીકે તેમના લાઈસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધા છે. હવે તેઓ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકશે નહીં. જમ્મુ-કાશ્મીર મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ આ ચારેય ડોક્ટરોના લાઈસન્સ રદ કરવા સંબંધિત નોટિફિકેશન આપી દેવાયું છે.બીજીબાજુ દિલ્હી પોલીસે લાલ કિલ્લા નજીક વિસ્ફોટ કેસમાં શનિવારે હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી બે ડોક્ટરો મોહમ્મદ અને મુસ્તકિમ સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે. સાથે જ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) અને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિશન કાઉન્સિલ (એનએએસી)એ અલ-ફહાલ યુનિવર્સિટી દ્વારા કથિત રીતે નિયમનકારી ગેરરીતિઓ અને છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કરતાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ-ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ બે અલગ અલગ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે ધૌજ, નુંહ અને આજુબાજુના વિસ્તારોમાંથી સ્પેશિયલ સેલ અને એનઆઈએએ દરોડા પાડીને અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડો. મોહમ્મદ અને ડો. મુસ્તકિમની અટકાયત કરી હતી. બંને ડોક્ટર ડો. મુઝમ્મિલ શકીલ અને ડો. ઉમર ગનીના સંપર્કમાં હતા. વધુમાં તપાસ એજન્સીઓએ લાઈસન્સ વિના ખાતર વેચવા બદલ દિનેશ ઉર્ફે ડબ્બુની અટકાયત કરી છે.

દિલ્હી પોલીસના એન્ટી ટેરર સ્પેશિયલ સેલે આ કેસમાં અલગથી એફઆઈઆર કરી છે. તપાસ ટીમે આશંકા વ્યક્ત કરી છે કે ફરિદાબાદમાં પકડાયેલા ટેરર મોડયુલે અનેક કાર બોમ્બ બનાવવાનું કાવતરું ઘડયું હતું. આ સિવાય ધરપકડ કરાયેલા ડોક્ટરો અને ડો. મુઝમ્મિલના મોબાઈલ ફોનના કોલ ડિટેલથી મોટા નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. અલ-ફલાહ યુનિવર્સિટીમાં ભણેલા અને ત્યાં કામ કરતા અનેક ડોક્ટરોના ફોન બંધ છે, જેમને ટ્રેસ કરવામાં એજન્સીઓ લાગેલી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here