બોટાદમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં દિન પ્રતિદિન વકરતી જતી ટ્રાફિકની ગંભીર સમસ્યા નાગરિકો માટે શિરદર્દ સમાન બની ગઈ છે. આથી સ્થાનિકો અને બહારગામથી આવતા મુસાફરો બંનેને આડેધડ પાકગ, બેફામ દોડતી ઓટો રિક્ષાઓ અને ટ્રાફિક અવ્યવસ્થાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બોટાદ રેલવે સ્ટેશનની બહારનો વિસ્તાર હવે ટ્રાફિકજામ અને અંધાધૂંધીનું કેન્દ્ર બની ગયો છે. આ સમસ્યાના મુખ્ય કારણો,મોટા ભાગની ઓટો રિક્ષાઓ પૂરતા દસ્તાવેજો વિના જ શહેરમાં દોડી રહી હોવાનું સ્થાનિકોનું માનવું છે. આ ઓટો રિક્ષાના ચાલકો મનસ્વી રીતે પૂર ઝડપે વાહન ચલાવે છે અને રોડની વચ્ચે ગમે ત્યાં વાહનો ઉભા રાખી દે છે, જેનાથી ટ્રાફિકની ગતિ અવરોધાય છે અને રાહદારીઓ તથા અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઘણી વખત અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે.રેલવે સ્ટેશનની સામેનો વિસ્તાર અને આસપાસના રસ્તાઓ પર આડેધડ પાકગની સમસ્યા વિકટ બની રહી હોય ટ્રાફિકની આ જટિલ સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે સ્ટેશન સામે કાયમી પોલીસ પોઇન્ટ ફાળવવામાં આવે તેવી સ્થાનિક રહિશોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.

