આમ આદમી પાર્ટી (AAP)ના ભરૂચ જિલ્લાના બે મુખ્ય હોદ્દેદારો કરજણ અને પાલેજ વચ્ચેના નેશનલ હાઇવે પર એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. સદભાગ્યે, સમયસર કારની એર બેગ્સ ખૂલી જતાં મોટી દુર્ઘટના ટળી હતી અને બંને નેતાઓનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો.

આ ઘટનામાં આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પીયુષ પટેલ અને જિલ્લા સંગઠનમંત્રી દીપક પટેલ જે કારમાં સવાર હતા, તે અકસ્માતગ્રસ્ત થઈ હતી. અકસ્માત કયા સંજોગોમાં થયો તેની ચોક્કસ માહિતી હજુ જાહેર થઈ નથી, પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે કારને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું.
અકસ્માત બાદ તરત જ કારમાં સુરક્ષા માટે આપવામાં આવેલી એર બેગ્સ (Air Bags) ખુલી ગઈ હતી, જેના કારણે કારમાં સવાર બંને નેતાઓને ગંભીર ઈજાઓ થવાથી બચી ગયા હતા. પીયુષ પટેલ અને દીપક પટેલ બંને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

