વડોદરાના સમા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૃની હાટડીઓ ચાલતી હોવાથી આજે સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.

પોસ્ટર્સ સાથે સૂત્રોચ્ચાર કરતી મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે,સમા નવી નગરી અને અન્ય વિસ્તારમાં પોલીસની રહેમનજર હેઠળ અનેક સ્થળે દારૃના ધંધા ચાલતા હોવાથી દારૃ પીવા કે લેવા આવતા નશેબાજો વાહનો આડેધડ પાર્ક કરે છે.જેથી ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય છે.
પોલીસ સમક્ષ રજૂઆત કરીએ એટલે રેડ પાડવા આવે છે,પણ તેઓ જાય તે સાથે જ દારૃના ધંધા શરૃ થઇ જતા હોય છે.ક્યારેક તો એમ્બ્યુલન્સ પણ જઇ ના શકે તેવી સ્થિતિ હોય છે.જેથી પોલીસ કમિશનરે તાત્કાલિક પગલાં લેવા જોઇએ.
નોંધનીય છે કે,બે વર્ષ પહેલાં સમા નવી નગરીમાં રેડ પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો થયો હતો અને તેની પોલીસ ફરિયાદ પણ થઇ હતી.ત્યારપછી પણ સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અવારનવાર દારૃના કેસ કરવામાં આવ્યા છે.પણ તેમ છતાં ફરી દારૃના ધંધા શરૃ થઇ જતા હોવાથી સામાન્ય જનતાની હાડમારીનો પાર રહેતો નથી અને બાળકો પર પણ ખરાબ સંસ્કારની ભીતિ રહે છે.

