ઉત્તરાયણના તહેવારને હજૂ બે મહિનાની વાર છે. ત્યાં નડિયાદ શહેરમાં ચાઈનીઝ દોરીના કારણે એક યુવતીનું ગળું કપાયાની ઘટના સામે આવી છે. યુવતીને સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો છે. ચાઈનીઝ દોરીથી ઘાયલ થયેલી યુવતીના પિતાએ આ જીવલેણ દોરી વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નડિયાદના વૈશાલી સિનેમા રોડ પરથી માનવ સેવા પરિવાર ટી-પોઇન્ટ તરફ ટુ-વ્હીલર પર જઈ રહેલી મનીષા મારવાડીના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી આવીને ફસાઈ ગઈ હતી. ગળાના ભાગે દોરી વાગવાથી યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. યુવતી સાથે રહેલી તેની મિત્રએ તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. જ્યાં ડોક્ટરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક સારવાર શરૂ કરી દેતાં યુવતીનો જીવ બચી ગયો હતો. યુવતી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. ચાઈનીઝ દોરીથી ગળું કપાયાની ઘટનામાં યુવતીનો જીવ બચી જતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આ ઘટનાને લઈને સ્થાનિકોમાં અને યુવતીના પરિવારમાં ભારે આક્રોશ છે.
જીવલેણ ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી ઈજાગ્રસ્ત યુવતીના પિતાએ તંત્ર પાસે માંગ કરી છે.
ગત વર્ષે ચાઈનીઝ દોરીથી એક યુવતીનું મોત થયું હતું
ગયા વર્ષે એક યુવતીનું ચાઈનીઝ દોરાના કારણે મોત થયું હતું. આ વર્ષે પણ તંત્રએ ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, ત્યારે હવે તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે તેવી લોકમાંગણી પ્રબળ બની છે.

