સાઉદી અરબિમાં મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા સર્જોયેલી દુર્ઘટનામાં ૨૦ મહિલાઓ અને ૧૧બાળકો તથા બે સાઉદી નાગરિકો સહિત સહિત ૪૫ ભારતીયોના મોત થયા છે. બસમાં કુલ ૫૪ મુસાફરો સવાર હતા. ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચ્યો હોવાનું કહેવાય છે. મૃત્યુ પામેલા ભારતીયો તેલંગણાના રહેવાસી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન એસ જયશંકરે આ ઘટના અંગે તરત જ દિલસોજી વ્યક્ત કરી હતી.

સ્થાનિક અધિકારીઓએ તરત જ બચાવકાર્ય શરૂ કર્યુ, પરંતુ ડીઝલ ટેન્કર સાથે બસ અથડાઈ હોવાથી આગે વાયુવેગે બસને આગની લપેટમાં લઈ લીધી હતી. તેના કારણે બસમાં બેઠેલા પ્રવાસીઓને બહાર નીકળવાની પણ તક મળી ન હતી. બપોરે દોઢ વાગે બનેલી આ દુર્ઘટનાના પગલે ભારતીય રાજદૂતાવાસની ટુકડી તરત જ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
જો કે તેમણે કોઈ આંકડો આપવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ ચાલી રહી છે. જેદ્દાહ ખાતેના ભારતીય રાજદૂતાવાસે આ માટે ૨૪ કલાક કામ કરતો કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે. આ બનાવને લઈને ભારતનું વિદેશ મંત્રાલય અને સાઉદી અરેબિયાની સરકાર ગાઢે સંપર્કમાં છે. મદીના ખાતેના ભારતીય રાજદૂતાવાસે જણાવ્યું હતું કે ભારતીય રાજદૂતાવાસ સાઉદી હજ અને ઉમરાહ મંત્રાલય તથા સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે. આ ઉપરાંત તેઓ ઉમરાહ ઓપરેટરોના સંપર્કમાં પણ છે.
આ ઉપરાંત કોન્સ્યુલેટની ટીમની સાથે ભારતીય સમુદાયના સ્વયંસેવકોએ વિવિધ હોસ્પિટલો અને સ્થાનિક સત્તાવાળાઓની મુલાકાત લીધી છે. તેલંગણા સરકારે આ બનાવના પગલે લઘુમતી કલ્યાણ પ્રધાન મોહમ્મદ અઝહરુદ્દીનની આગેવાની હેઠળની ટીમ સાઉદી અરેબિયા મોકલવાનો નિર્ણય લીધો છે. બસ દુર્ઘટનાના પગલે ચાલતા રાહત અને બચાવ કાર્યમાં સંકલન સાધવા માટે આ પગલું લેવામાં આવનાર છે.
તેલંગણાના સીએમ રેવંથી રેડ્ડીએ પણ આ બનાવ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેલંગણાની સરકારે મૃતકો માટે પાંચ-પાંચ લાખ રુપિયાની સહાયની જાહેરાત કરી હતી.

