કોલકાતા ટેસ્ટ મેચમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી ભારતના જ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. મોટાભાગના લોકો આ હારનું મુખ્ય કારણ પિચને માની રહ્યા છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગંભીરને સલાહ આપી છે.

ગાંગુલીની ગંભીરને સલાહ
સૌરવ ગાંગુલીએ પોતાના પૂર્વ સાથી ખેલાડી ગંભીર સાથે અસહમતિ દર્શાવી અને એવી પિચો તૈયાર કરવાની સલાહ આપી જે બેટર્સને રન બનાવવામાં મદદ કરે. ગાંગુલીના મતે, આવું કરવાથી જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ જેવા ભારતીય બોલરોને તેમની ગુણવત્તા દર્શાવવાનો મોકો પણ મળશે.
આશા છે કે ગંભીર સાંભળશેઃ ગાંગુલી
ગાંગુલીએ ગંભીરને સલાહ આપતા કહ્યું કે, ‘સારી પિચ પર રમો. મને આશા છે કે ગૌતમ ગંભીર સાંભળી રહ્યા હશે. તેમને વિકેટ પરથી ધ્યાન હટાવવું પડશે. કારણ કે, જો તેમના બેટર 350-400 જેટલા રન નહીં બનાવે, તો તે ટેસ્ટ મેચ જીતી શકશે નહીં. ઇંગ્લેન્ડમાં આપણે એટલે જ જીત્યા કારણ કે આપણા બેટર્સે સારા રન બનાવ્યા હતા. ગંભીરે પોતાની ટીમ પર વિશ્વાસ કરવો જોઈએ અને ટેસ્ટ મેચ 3 દિવસમાં નહીં, 5 દિવસમાં જીતવી જોઇએ.’
ગંભીર માટે આદર છેઃ ગાંગુલી
ગાંગુલીએ સલાહ આપ્યા બાદ કહ્યું કે, ‘મારા મનમાં ગંભીર માટે ખૂબ જ આદર છે. તે સ્પર્ધક છે. ભારતના કોચ તરીકે તેણે સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ તેમને સારી વિકેટ પર રમવું જ પડશે. કારણ કે તેમની પાસે બુમરાહ છે, સિરાજ છે, શમી છે, કુલદીપ છે અને જાડેજા છે. તેમની પાસે સારા બોલર છે. ભરોસો કરવાથી તેમને તેમની ગુણવત્તા દર્શાવવાનો મોકો પણ મળશે.’
અમારું પ્રદર્શન ખરાબ હતુંઃ ગંભીરની કબૂલાત
ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મેચ બાદ સ્પષ્ટ કર્યું કે ટીમ મેનેજમેન્ટે જ આવી પિચની માંગણી કરી હતી. જોકે, ગંભીરને એવું નહોતું લાગતું કે પિચ ‘રમવા લાયક નહોતી’ (‘unplayable’). તેમનું માનવું હતું કે ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યું નહોતું અને બેટ્સમેનો ટેકનિકલ તેમજ માનસિક મજબૂતીની કસોટીમાં નિષ્ફળ ગયા હતા.

