GUJARAT : આમોદ: કરજણ પબ્લિક સ્કૂલની ઘોર બેદરકારી, ૨૮ની ક્ષમતાવાળી બસમાં ૪૫થી વધુ વિદ્યાર્થીઓ!

0
41
meetarticle

કરજણ પબ્લિક સ્કૂલની મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓની સલામતી જોખમાઈ છે. ૨૮ પેસેન્જરની ક્ષમતા ધરાવતી મિની બસમાં ૪૫થી વધુ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડીને સ્કૂલે લઈ જવાતા વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આમોદથી કરજણ પબ્લિક સ્કૂલમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવા છતાં, સ્કૂલ મેનેજમેન્ટે માત્ર ૨૮ બેઠકોની ક્ષમતા ધરાવતી બસ ફાળવી હતી. પરિણામે, છેલ્લા ઘણા મહિનાઓથી વિદ્યાર્થીઓ જીવના જોખમે બસમાં ઊભા ઊભા મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. આ ઉપરાંત બસમાં દાંડા ગામના કેટલાક વાલીઓ દ્વારા આમોદના વિદ્યાર્થીઓને ધમકાવી સીટ પરથી ઉઠાડી દેવા જેવી ગુંડાગીરી પણ થઈ હોવાથી આમોદના વાલીઓમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો.

વાલીઓએ અનેક વખત સ્કૂલ શિક્ષકોને ફરિયાદ કરી હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આખરે આજરોજ વાલીઓએ સરભાણ ગામથી સ્કૂલ બસને આમોદ પોલીસ મથકે લાવી જમા કરાવી દીધી હતી અને સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બનાવની જાણ થતાં સ્કૂલના આચાર્ય સહિતનો સ્ટાફ આમોદ પોલીસ મથકે દોડી આવ્યો હતો. જોકે, સૌથી મોટો સવાલ પોલીસની કામગીરી સામે ઊભો થયો છે. વાલીઓની ફરિયાદ બાદ પણ પોલીસે ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ ભરેલી અને ગંભીર બેદરકારી દાખવનાર બસને ડિટેઇન કરવાની કાર્યવાહીને બદલે તેને જવા દીધી હતી, જેનાથી પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. પોલીસ મથકે આવેલા પ્રિન્સિપાલે વાલીઓને બાહેધરી આપી હતી કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે, જેથી મામલો થાળે પડ્યો હતો.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here