જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા હસ્તકના કચરા કલેકશન વેનમાં સંખ્યાબંધ લોકો મુસાફરી કરતા જોવા મળ્યા હતા. આ રીતે માલવાહક વાહનમાં માનવ પરીવહન અત્યંત જોખમી છે. આવા વાહનો અને તેમાં સવારી કરનારાઓ માટે ભયજનક હોવા ઉપરાંત રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પણ મોટું જોખમ બને છે.

શહેરમાં પવનચક્કીથી ખંભાળીયા ગેઈટ તરફના માર્ગે આવી ગાડી દોડતી જોવા મળી હતી, ત્યારે જાણે શહેરમાં ટ્રાફિકના કાયદાઓનો ‘કચરો’ થઈ ગયો હતો. ટુ-વ્હીલરમાં ટ્રીપલ સવારીના કેસ કરતી પોલીસને આ ગાડી નહીં દેખાતી હોય…? આ ગાડીમાં પાછળની તરફ નંબર પ્લેટ પણ નથી…! દેખાવ પરથી આ ગાડી મનપાની કચરા કલેકશન વેન હોવાનું જણાઈ આવે છે, ત્યારે આ મુદ્દે તંત્રની પણ કોઈ જવાબદારી થાય કે નહીં…? પોલીસ દ્વારા ‘નેત્રમ’ નો ઉપયોગ કરી સીસીટીવી ફૂટેજ ચકાસી આ મુદ્દે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી છે. ફક્ત દંડાત્મક કાર્યવાહી નહીં, પરંતુ વાહન જપ્તી અને આ ગાડીના ડ્રાઈવર-કોન્ટ્રાક્ટર વિગેરે જવાબદારો પાસે માફી સંદેશવાળો વિડીયો પણ બનાવી જનતા માટે સંદેશ મૂકાવવો જોઈએ. કોર્પોરેશનમાં સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓના પણ ખુલાસા થવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ગાડીઓ રસ્તા પર દૃશ્યમાન ન થાય.

