ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરે ગુવાહાટીમાં રમાશે. આ ટેસ્ટમાં શુભમન ગિલ રમશે કે નહીં રમશે તે અંગે શંકા છે. ત્યારે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી મેચ પહેલા નીતિશ કુમાર રેડ્ડી ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. રેડ્ડીને ઈડન ગાર્ડન્સ ટેસ્ટ પહેલા ટીમમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો હતો અને તેને દક્ષિણ આફ્રિકા સામે ઈન્ડિયા-A ની મેચ રમવા માટે કહેવામાં આવ્યું હતું. BCCIએ અગાઉ કહ્યું હતું કે, રેડ્ડી બીજી ટેસ્ટ માટે ટીમમાં જોડાશે, પરંતુ તેને પહેલા જ બોલાવી લેવામાં આવ્યો છે અને 18 નવેમ્બરે ઈડન ગાર્ડન્સમાં વૈકલ્પિક સત્ર દરમિયાન ટીમ સાથે ટ્રેનિંગનો હિસ્સો બનશે.

ગિલ ગુવાહાટી ટેસ્ટમાં રમે તેવી શક્યતા નથી
બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુભમન ગિલ 18 નવેમ્બરે ઈડન ગાર્ડન્સમાં ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં સામેલ નહીં થશે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ગિલ ગુવાહાટી ટેસ્ટમાં રમે તેવી શક્યતા નથી. તે ટીમ સાથે પ્રવાસ કરશે કે નહીં તે પણ નક્કી નથી. તેને સ્વસ્થ થવા માટે બીજા 5-7 દિવસ લાગશે અને વન-ડે સીરિઝ માટે તેની વાપસીની શક્યતા છે.
નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, બીજી ટેસ્ટ મેચમાં જો ગિલ નહીં રમે તો નીતિશ કુમાર રેડ્ડીને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવશે. રેડ્ડીએ ઈન્ડિયા-A માટે બે લિસ્ટ-A મેચ રમી છે, જોકે તેને બીજી મેચમાં બેટિંગ કે બોલિંગ કરવાની તક ન મળી, પરંતુ રાજકોટમાં ચાલી રહેલી ત્રણ મેચની સીરિઝની પ્રથમ મેચમાં તેણે 37 રન બનાવ્યા અને 18 રન આપીને 1 વિકેટ લેવામાં સફળતા હાંસલ કરી હતી. ટેસ્ટ ટીમમાં વાપસીનો અર્થ એ છે કે આ ઓલરાઉન્ડર 19 નવેમ્બરે ઈન્ડિયા-A સામેની ત્રીજી મેચમાં નહીં રમી શકશે.
નીતિશ કુમાર રેડ્ડીએ પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને 386 રન બનાવ્યા છે. રેડ્ડીએ ટેસ્ટમાં એક સદી અને બોલિંગમાં 8 વિકેટ પોતાના નામે કરવામાં સફળતા હાંસલ કરી હતી. નીતિશ IPL 2024માં સારા પરફોર્મન્સ બાદ લાઈમલાઈટમાં આવ્યો હતો.

