ભારતના સૌથી મોટા આદિવાસી સંમેલન ‘સંવાદ’માં ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસી કલાકારોએ રાષ્ટ્રીય મંચ પર ધમાકેદાર રજૂઆત કરી. ડાંગી રેપર ટી.આર. કામડી અને પાવરી વાદક મોતીરામ ઠાકરેએ સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું હતું.

બારથી વધુ આદિવાસી જનજાતિના કલાકારો ધરાવતા પ્રતિષ્ઠિત ટ્રાઇબલ મ્યુઝિક બેન્ડ ‘રિધમ ઑફ ધ અર્થ’માં ડાંગના આ બંને કલાકારોએ ગુજરાતનું ગૌરવ વધાર્યું. ટી.આર. કામડીએ ઢાક વાદન સાથે પોતાના આગવા અંદાજમાં ડાંગના શૂરવીર રાજાઓની ગાથા વર્ણવતું ગીત ‘ડાંગી રાજ’ રજૂ કર્યું.

આ કાર્યક્રમમાં ડાંગી કલાકારો દ્વારા રચિત વિશેષ ગીત ‘આમી આદિવાસી’નું આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં મોતીરામ ઠાકરેના પાવરીના સૂર સાથે ડાંગના પવિત્ર દેવસ્થાનોનાં નામનો ઉલ્લેખ કરીને ડાંગની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ પ્રદર્શિત કરાઈ છે. આ સિદ્ધિ ડાંગ અને ગુજરાતના આદિવાસી સમુદાય માટે ગર્વની ક્ષણ બની રહી, જે આદિવાસી સંગીત અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે પ્રેરણારૂપ છે.

