વલસાડ સિટી પોલીસની ટીમે નેશનલ હાઇવે નંબર ૪૮ પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નજીક સ્વાદ હોટલ સામે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે MH-04-HU-7083 નંબરની ટોયોટા ઇનોવા કારને રોકીને તપાસ કરવામાં આવી હતી.

કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ વ્હિસ્કી અને બિયરના ૧૧૦૪ નંગ (૨૪ બોક્સ) મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૨,૭૨,૬૪૦/- થાય છે.
ઇનોવા કાર સહિત કુલ રૂ. ૭,૭૨,૬૪૦/- નો પ્રોહીબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે દમણના રહેવાસી રવીકુમાર ઉમેદસિંહ અને મુંબઈના રહેવાસી પ્રજાનંદ કેશવરાવ સવાઈની ધરપકડ કરી છે.
પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને, તેમને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

