વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની પહેલી ઘટના સામે આવી છે. કાયાવરોહણના કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલને અજાણ્યા ભેજાબાજોએ દિલ્લી ATSના નામે ફોન કરી તેમની બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહી ધમકાવ્યા હતા. ત્યારબાદ તેમને એક દિવસ સુધી “ડિજિટલ અરેસ્ટ” રાખવામાં આવ્યા હતા.

સતત દબાણ અને ભયના કારણે અતુલભાઈ સોમવાર વહેલી સવારે 5 વાગ્યે ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી છુપાયેલી હોવાની શંકા થતાં તેમણે અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ભેજાબાજે આઈકાર્ડ મોકલી પોતે એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડ(ATS)નો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનું દાવો કર્યો હતો. ખેડૂતના મોત બાદ કાયાવરોહણ ગામમાં શોકનો માહોલ છે. પરિવારજનોનું કહેવું છે કે, ATS અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
મૃતકના ભત્રીજા અંશ પટેલે જણાવ્યું હતું કે, હું કાયાવરણ ગામમાં રહું છું. એક જ દુઃખદ ઘટના અમારા ઘરની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા, તેઓ ખેતી કરતા હતા. ત્રણ દિવસથી તેઓ બેચેન રહેતા હતા. કોઈને કશું કહેતા નહોતા. અમારા લાખ પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું નહોતું. એમના મિત્રોએ પણ બહુ પૂછ્યું, એમને કશું ના કીધું. પછી સોમવારે સવારે 5 વાગ્યે એમને દવા પી લીધી હતી. જેથી અમે તેમને દવાખાને લઈ ગયા હતા. મંગળવારે સવારે તેમનું મોત થયું હતું. સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે. મારા કાકાએ જે પ્રકારે આત્મહત્યા કરી છે તે પ્રકારે કોઈ આત્મહત્યા ન કરે, તેવી લોકોને હું અપીલ કરું છું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સાયબર ઠગો દર 5 મિનિટે કોલ કરાતા, ઘરની બહાર નીકળતા નહીં કહીને ધમકાવતા અતુલકાકા રવિવારે ખેતરમાં કામ કરવા ગયા હતા. તે સવારે 10 વાગે અચાનક ઘરે આવી ગયા હતા અને બેંક પાસબુક સહિત લઈને ઘરના ઉપરના પહેલાં માળે જતા રહ્યા હતા. મેં નીચેથી સાંભળ્યું હતું. તે વાત કરતા હતા કે, ખાતામાં 40 કરોડનો ફ્રોડ થયો છે, કાર્યવાહી કરાશે. જોકે પછી કાકાએ મને એકલાને બોલાવી કહ્યું હતું કે, ‘દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે’. તે ખૂબ ગભરાઈ ગયા હતા. કાકાને એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. સામેથી 5-5 મિનિટે વોટ્સએપ કોલ તથા વીડિયો કોલ કરવામાં આવતો હતો.
તેઓએ ઉમેર્યું હતું કે, અમે પોલીસ સ્ટેશન જવાના છીએ અને FIR કરવાના છીએ. એના બદલે અમારી એવી માંગ છે પોલીસ આવા લોકો સામે કડકથી કડક એક્શન લે, એટલી જ અમારી માંગણી છે. મારા કાકાના મોબાઇલમાં આવેલા વિડિયો કોલ્સ મળ્યા છે અને એના વોટ્સએપ પર એવો ચિન્હ છે કે બે ઝંડા છે અને વચ્ચે 3C વાળો ચિન્હ છે. બસ એનાથી વિશેષ અમને ચેટમાંથી કશું મળ્યું નથી.
દિવસમાં 200 લોકો ડિજિટલ અરેસ્ટ
કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ 2022થી ફેબ્રુઆરી 2025 સુધીમાં ડિજિટલ અરેસ્ટના 2.42 લાખ કેસ નોંધાયા છે, એટલે કે એક દિવસમાં 200 કેસ. ત્રણ વર્ષ દરમિયાન લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાનું જાણવા મળે છે . આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારના સાઇબર ફ્રોડમાં લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાનું જાણવા મળે છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

