વડોદરા નજીક સેવાસી રોડ પર સેન્ટ ઝેવીયર્સ ટેકનિકલ ઇન્સ્ટિટયુટની પાછળ શેરખી ગામની સીમમાં આશરે ૪૦૦ વર્ષ જૂની ધરોહર સમાન સ્ટેપવેલ (વાવ)નું હાલમાં તા.૧૯થી ૨૫ નવેમ્બર સુધી ચાલી રહેલા હેરિટેજ સપ્તાહમાં જતન થાય તેવા પ્રયત્નો હાથ ધરાવા જોઇએ.

તંત્ર દ્વારા યોગ્ય રીતે સારસંભાળ નહી લેવાતા આ વાવની જમીન પર લોકોને દબાણ કરવા માટે મોકળુ મેદાન મળી ગયું છે. સરકારી જમીન પરની આ વાવની આજુબાજુ પાકા મકાનો બાંધી તેમજ કેટલાક વેપારીના દબાણો વર્ષોથી થઇ ગયા છે છતાં તેને દૂર કરાતા નથી.
વડોદરા તાલુકાના શેરખી ગામથી ત્રણ કિલોમીટરના અંતરે શેરખી, સોનારકુઇ અને અંકોડીયાના વળાંક પર વર્ષો જૂની ઐતિહાસિક ગણી શકાય તેવી વાવ આવેલી છે. આશરે ૪૦૦ વર્ષ જૂની કહેવાતી આ વાવ એક સમયે આ પંથકના લોકોની પાણીની જરૃરિયાત પૂરી કરતી હતી. જો કે છેલ્લા ઘણા વર્ષોથી આ વાવની હાલત તંત્રના પાપે એકદમ બદતર થઇ ગઇ છે. અગાઉ સરકારી તંત્ર દ્વારા આ વાવમાં અંદર કોઇ ના પ્રવેશે તે માટે ઓરડીને બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે આ વાવની જમીન પર કેટલીક વ્યક્તિઓ દ્વારા પાકા દબાણો કરી દેવાયા છે.ઉલ્લેખનીય છે કે સરકારી રેકોર્ડ પર પણ આ વાવની જમીન સરકારી મિલકત બોલે છે. આ સરકારી મિલકત પર દબાણ કરવામાં આવ્યું છતાં પણ દબાણો હટાવવા માટે વર્ષોથી તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. વડોદરાની આસપાસ પૌરાણિક તેમજ ઐતિહાસિક કહી શકાય તેવા સ્થાપત્યોના જતનની સાથે શેરખી ગામની સીમમાં આવેલી આ વાવના દબાણો પણ દૂર કરી તે વાવ તેમજ જમીનને ખુલ્લી કરવામાં આવે તેવી માગણીઓ થઇ રહી છે.

