નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની એક બેંકમાં ફરજ બજાવતા પૂર્વ કેશ ઓફિસર સામે બેંકના મેનેજરે રૂ. ૧.૯૩ કરોડની ઠગાઇની ગંભીર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે.

બેંક મેનેજર વિશાલ કૈલાશ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બેંકના વિવિધ એટીએમ મશીનોની તપાસ કરવામાં આવતા સિસ્ટમમાં બતાવતી રોકડ રકમ અને એટીએમમાં વાસ્તવમાં હાજર રોકડ રકમ વચ્ચે મોટો તફાવત મળી આવ્યો હતો. જુદા જુદા એટીએમમાં સિસ્ટમમાં કુલ રૂ. ૧.૯૩ કરોડની રકમ બતાવતી હતી, પરંતુ વાસ્તવમાં આટલા રૂપિયા મળ્યા નહોતા.
આ છેતરપિંડી માટે પૂર્વ કેશ ઓફિસર જવાબદાર હોવાનું જણાઈ આવતા મેનેજરે ફરિયાદ નોંધાવી છે. આરોપી કર્મચારીએ જુલાઈ ૨૦૨૨ થી ઓક્ટોબર ૨૦૨૫ સુધી મુખ્ય શાખા ખાતે કેશ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી.
હાલ તો રાજપીપળા પોલીસે બેંકના પૂર્વ કર્મચારી સામે ગુનો નોંધીને આ વિશાળ રકમના કૌભાંડની વધુ તપાસ શરૂ કરી છે.

