સુરેન્દ્રનગર દૂધની ડેરી પાછળ ડાંગસિયા વસાહતમાં મનપા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવતા રહિશોમાં આક્રોશ જોવા મળી ઉઠયો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાન સુધી રજૂઆત નહી પહોચતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મનપાની હદમાં દૂધની ડેરી પાછળ જીઆઇડીસી ડાંગસિયા વસાહતમાં અંદાજે ૨૦૦થી વધુ પરિવારો વર્ષોથી વસવાટ કરે છે. પરંતુ આ વિસ્તારના લોકો વર્ષોથી રોડ, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ દબાણ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે. આ વિસ્તારમાં આવેલ શાળા સામે પણ કચરાના ઢગલાં અને ગંદકીના કારણે મરછરજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે અને અહીં અભ્યાસ કરતા વિધાર્થીઓના આરોગ્ય પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. તેમ છતાંય મનપા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશો અને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આથી મનપા તંત્ર દ્વારા આ અંગે યોગ્ય ઉકેલ નહી લાવવામાં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

