ગાંધીનગર એ.સી.બી. (ACB) ની ટીમે ભાવનગર જિલ્લાના શિહોર ખાતે છટકું ગોઠવીને સરકારી અધિકારી વતી લાંચ સ્વીકારતા એક પોલીસ કોન્સ્ટેબલ અને એક ખાનગી વ્યક્તિને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ લાંચ ક્લસ્ટર કોઓર્ડિનેટરને નોકરીમાં પુનઃસ્થાપિત કરવા અને બાકી પગાર છૂટો કરવાના બદલામાં માંગવામાં આવી હતી.

શિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી (વર્ગ-૩) દશરથસિંહ પાંચાભાઇ ચૌહાણએ ફરિયાદીને નોકરીમાં પરત લેવા, તેમનો અટકેલો પગાર આપવા તથા પોલીસ ફરિયાદ ન કરવાના બદલામાં ₹૨,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.
એ.સી.બી. દ્વારા શિહોરની અગ્રવાલ આંખની હોસ્પિટલ ખાતે ગોઠવાયેલા છટકા દરમિયાન, મુખ્ય આરોપી દશરથસિંહના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલ રૂતુરાજસિંહ પરમાર અને ખાનગી વ્યક્તિ જીગરભાઈ ઠક્કરે ફરિયાદી પાસેથી ₹૧,૫૦,૦૦૦/- ની લાંચ સ્વીકારી હતી. એ.સી.બી.એ બંનેને સ્થળ પરથી ઝડપી લીધા હતા.
આ ગુનામાં મુખ્ય આરોપી દશરથસિંહ ચૌહાણ અને અન્ય એક ખાનગી વ્યક્તિ વિરેન્દ્રસિંહ ગોહેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

